Gujarat

મહીસાના વૃદ્ધને સબ રજિસ્ટ્રાર કચેરીએ લઈ જઈને જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લીધો

By GS TEAM
4 Feb 20262 mins read
મહીસાના વૃદ્ધને સબ રજિસ્ટ્રાર કચેરીએ લઈ જઈને જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લીધો

- પુત્રના અવસાનથી આઘાતમાં સરી ગયેલા વૃદ્ધ સાથે છેતરપિંડી

- સંબંધીઓએ દ્વારા જ વૃદ્ધને વિશ્વાસમાં લઈ દવાખાને લઈ જવાને બદલે કચેરીએ પહોંચાડી જમીન પચાવી પાડવાનો કારસો રચાયો

નડિયાદ : મહુધા તાલુકાના મહીસા ગામના એક વૃદ્ધને શારીરિક અને માનસિક અસ્વસ્થતાની સ્થિતિમાં છેતરીને તેમની જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લેવામાં આવ્યો હોવાની લેખિત રજૂઆત મહુધા પોલીસ સ્ટેશને પહોંચી છે. સંબંધીઓ દ્વારા જ વૃદ્ધને વિશ્વાસમાં લઈ દવાખાને લઈ જવાને બદલે સીધા કચેરીએ પહોંચાડી આયોજનબદ્ધ રીતે જમીન પચાવી પાડવાનો કારસો રચવામાં આવ્યો હોવાનો આક્ષેપ ભોગ બનનારના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે.

મહીસાના નટવરભાઈ વિઠ્ઠલભાઈ પરમારના પુત્રનું પાંચ માસ પૂર્વે અવસાન થયું હોવાથી તેઓ અત્યંત આઘાતમાં અને માનસિક રીતે અસ્વસ્થ હતા. ગત તારીખ ૩૦-૦૧-૨૦૨૬ના રોજ નટવરભાઈની પુત્રવધુ જશીબેન ઉર્ફે જશોદાબેન, તેમના ભાઈ શંભુભાઈ અને જમાઈ પરેશભાઈ વૃદ્ધને સારવાર માટે દવાખાને લઈ જવાના બહાને ગાડીમાં બેસાડીને નીકળ્યા હતા. જોકે તેઓ નટવરભાઈને દવાખાને લઈ જવાને બદલે મહુધા સબ-રજિસ્ટ્રાર કચેરીએ લઈ ગયા હતા અને ત્યાં અગાઉથી તૈયાર રખાયેલા કાગળો પર નટવરભાઈનો અંગૂઠો કરાવી લીધો હોવાનો આક્ષેપ કરાયો છે.

આ દસ્તાવેજ મુજબ સાહીલ પ્રહલાદજી ઠાકોર અને અનિલસિંહ કિશોરભાઈ સોલંકીએ જમીન ખરીદી હોવાનું અને તેના પેટે ૧૬,૭૫,૦૦૦ની રકમ ચૂકવી હોવાનું કાગળ પર દર્શાવ્યું છે. પરંતુ વાસ્તવિકતામાં વૃદ્ધને કોઈ પણ નાણાકીય ચૂકવણી કરવામાં આવી નથી. નટવરભાઈ હાલમાં ગંભીર બીમારી અને માનસિક અસ્વસ્થતા સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે તેમની આ લાચારીનો લાભ લઈને કિંમતી મિલકત પડાવી લેવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડ અંગે ભોગ બનનારના ભાઈએ મહુધા પોલીસ મથકે લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવા માંગ કરી છે.