મહેસાણા હિટ એન્ડ રન કેસ: વિજાપુર હાઈવે પર અકસ્માતમાં શ્રમિક યુવકનું મોત, ન્યાયની માંગ
Mehsana Hit And Run Case: વિજાપુર હાઈવે પર ગોવિંદપુરા અને આનંદપુરા ચોકડી વચ્ચે ગત રાત્રે (શનિવારે) એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બેફામ કાર ચાલકે રોડ પર જઈ રહેલા શ્રમિક દીપક વાઘેલાને ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા દીપક વાઘેલાનુંઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક ઝડપી કાર દીપકને જોરદાર ટક્કર મારે છે અને તેને ફંગોળી દે છે. અકસ્માત બાદ દીપક રોડ પર લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો, જ્યારે કાર ચાલક ફરાર થઈ ગયો હતો.
આ ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં હિટ એન્ડ રનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કાર ચાલકને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
મૃતક દીપક વાઘેલાના પરિવારજનોએ આ ઘટના બાદ ભારે શોક વ્યક્ત કર્યો છે અને ન્યાયની માંગ કરી છે. તેમણે ગુનેગાર કાર ચાલકને સખત સજા મળે તેવી અપીલ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.