સુરતનું મહાદેવનું એક એવું મંદિર જ્યાં એક,બે નહીં પરંતુ ત્રણ શિવલિંગ છે
૧૩મી સદીમાં તાપી કિનારે ત્રણ શિવલિંગ પ્રગટ થયા બાદ સૂર્ય ઉપાસકો દ્વારા રાજરાજેશ્વર મંદિરનું નિર્માણ કરાયું હતું
(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરુવાર
સૂર્ય પુત્રી તાપીના કાંઠે આવેલા સુરતની અનેક વિશેષતાઓ છે. આજે શિવરાત્રી છે જેને લઈને તેની ઉજવણીની સાથે જ ગુજરાતભરમાં જાણીતા શિવાલયો, મહાદેવ મંદિરોનો મહિમા ગવાઇ રહ્યો છે ત્યારે સુરતમાં મહાદેવનું એક એવું મંદિર છે કે જ્યાં એક નહીં પરંતુ ત્રણ શિવલિંગ છે. આ અતિ પ્રાચીન શિવલિંગ રાજરાજેશ્વર મહાદેવ છે જે ચોકબજાર વિસ્તારમાં આવેલું છે.
પંદરમી અને સોળી સદીમાં સુરત અને તેની આસપાસના વિસ્તારમાં સૂર્યપૂજા પ્રચલીત હતી. તાપી પુરાણ અને તાપી મહાત્મ ગ્રંથોમાં નોંધ અનુસાર કપિલ મુનિએ તપ કરીને સૂર્યદેવને પ્રસન્ન કર્યા હતા. તેની વિનંતીથી સૂર્ય તાપી કિનારે કાંતારશિવ સ્વરૃપે આવીને રહ્યા હતા. બાદમાં તેરમી સદીમાં તાપી કિનારે ત્રણ શિવલિંગો પ્રગટ થયા હતા. આ સ્થળે સૂર્ય ઉપાસકો દ્વારા રાજરાજેશ્વર મંદિરમાં બનાવવામાં આવ્યું હતું. તેરમી સદીમાં બનેલા પ્રચીન મંદિરમાં સૂર્યનારાયણ અને ગણેશની પ્રાચીન મૂર્તિઓ છે.
વળી સૂર્યપુત્રીના નામથી સુરતની આસપાસના વિસ્તારોના નામ પડ્યા છે. જેમાં સૂર્યની પુત્રી તાપીના નામ પરથી સુરતનું નામ પડયું છે. સુરત નજીક તાપી કાંઠે આવેલા બે ગામ ઓખા અને સાંધીયેર સૂર્યપુત્રી ઉષા અને સંધ્યાના નામે પ્રસિદ્ધ થયા હતા. જ્યારે સૂર્યપુત્રી અશ્વિની અને કુમારના નામ પરથી સુરતમાં અશ્વનીકુમાર નામથી વિસ્તાર ઓળખાય છે. સૂર્યપત્ની રત્નાદેવીના નામ પરથી રન્નાદે અને રાંદેલ પરથી રાંદેર નામ પડયું છે.
પ્રાચીન સમયમાં અહીં સૂર્યની પૂજા કરતી જાતિનો વસવાટ હોવાનું અનુમાન
ઈતિહાસકાર સંજય ચોકસી કહે છે, ચોકબજાર વિસ્તારમાં રાજા ઓવારા સ્થિત પ્રાચીન રાજરાજેશ્વર મહાદેવ મંદિરમાં પથ્થરોના શિલ્પોમાં ઇ.સ. ૧૨૬૪-૧૨૭૩ નો પાળિયો છે. સુરતમાં રાજરાજેશ્વર મંદિરમાં દુર્લભ સૂર્ય પ્રતિમાઓની સ્થાપના થકી જાણવા મળે છેકે પ્રાચીન સમયમાં અહીં સૂર્યની પૂજા કરતી જાતિ વસવાટ કરતી હશે.