કચ્છમાં મહા શિવરાત્રિ પર્વની હર હર મહાદેવના નાદ સાથે ઉમંગભેર ઉજવણી
ભુજમાં પરંપરાગત શોભાયાત્રામાં હિન્દુ-મુસ્લીમ એકતાના દર્શન : મોટી સંખ્યામાં ભાવિકોની હાજરી
બાલાચોડ, રવાપર, લખપત, મુન્દ્રા, માંડવી, નલિયા, કોટેશ્વર સહિતના સ્થળોએ મંદિરોમાં દર્શનાર્થે ભાવિકો ઉમટયાધ
કચ્છના મુખ્ય મથક ભુજ ખાત ેમહાશિવરાત્રિ નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે ભુજ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શહેરના પારેશ્વર ચોકથી આ શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાંસદ વિનોદ ચાવડા તેમજ મુસ્લીમ સમાજના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનોએ શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ શોભાયાત્રા શહેરના મહાદેવ ગેટ, મ્યુઝીયમ, સ્વામિનારાયણ મંદિર રોડ, જ્યુબેલી સર્કલ, વીડીહાઈસ્કૂલ, બસસ્ટેશન થઈને હમીરસર તળાવ પહોંચી હતી. આ શોભાયાત્રામાં નાના-મોટા બાળકોએ ભગવાન શિવની વેશભુષા કરી હતી. તેમજ મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. ૩૦થી વધુ અલગ-અલગ વાહનમાં ફ્લોટસ ગોઠવવામાં આવ્યા હતા જેમાં મહાદેવની પ્રતિમા, શિવલિંગ, ઓરકેસ્ટ્રા આકર્ષણરૂપ બન્યા હતા. દરેક રૂટ પર ભાવિકોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી. તેની સાથે સાથે ભાવિકો દેશીઢોલના તાલે ઝુમી ઉઠયા હતા. પરંપરાગત રૂટ પર દરેક સેવાભાવી સંસ્થાઓ, સમાજના આગેવાનો અને વિવિધ મંડળો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ઠંડાપીણા અને ફરાળની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દરેક સ્થળે કેસરી ધ્વજાઓ ગોઠવવામાં આવી હતી. જેને લઈને કેસરીયો વાતાવરણ શહેરભરમાં જોવા મળ્યો હતો. કાદરી જીલાની સેવા ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં માનવજ્યોત સંસ્થા દ્વારા રામદેવા સેવાશ્રમના ૩૦ માનસિક દિવ્યાંગો એક સરખા ડ્રેસમાં ધ્વજા લઈને જોવા મળ્યા હતા.
ભુજના ખારીનદીના પરીસરમાં આવેલ ભુતનાથ મહાદેવના મંદિરમાં ૯૦૦ કિલો બરફનું શીવલીંગ બનાવવામાં આવ્યું હતું જે આકર્ષરૂપણ બન્યું હતું. ભુજના ઉપલીપાડ રોડ પર આવેલ હાટકેશ્વર મહાદેવના મંદિરમાં વહેલી સવારથી જ ભાવિકોની ભીડ ઉમટી હતી. વડનગરાનાગર જ્ઞાાતિ વ્યવસ્થાપક મંડળ ભુજ દ્વારા સવારે મંદિરના પ્રાંગણમાં લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિમન ગૂ્રપ દ્વારા નિજ મંદિરમાં સામૂહિક મહિમ્નસ્ત્રોત પઠન કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાએ હાટકેશ કોમ્પલેક્ષ ખાતે દ્વિતિય સમૂહ ભાગવત સપ્તાહ દરમિયાન સેવા આપનાર કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભુજના દ્વિધામેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ લોકોની ભીડ ઉમટી હતી. ભાંગનો પ્રસાદ લેવા ભાવિકો ઉમટયા હતા.
અંબિકા મહિલા મંડળ ભુજ દ્વારા શિવ ભજન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિજેતાઓને ઈનામો અપાયા હતા. હાટકેશ સેવા મંડળ અને અંબિકા મહિલા મંડળ દ્વારા જુના હાટકેશ્વર મંદિર ખાતે પૂજારી મનહરભાઈ જોશી દ્વારા દિપમાળા, પૂજન-અર્ચનનું આયોજન કરવામાં આવ્યું હતું. લખપત ખાતે આવેલા હાટકેશ્વર મંદિરે પૂજન-અર્ચન, દિપમાળા અને થાળ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
અબડાસા તાલુકાના બાલાચોડ ખાતે ફોટ મહાદેવ મંદિરે ચાર પ્રહરની પૂજા કરવામાં આવી હતી. છેવાડાના આ મહાદેવના મંદિરે વહેલી સવારથી જ ભાવિકોની ભીડ જોવા મળી હતી.
રવાપર ખાતે કાશીવિશ્વનાથ મહાદેવના મંદિરે પૂજનાર્થી, પાલખીયાત્રા નિકળી હતી. આખો દિવસ ગામ લોકોએ પાંખી પાડી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ અશ્વિન રૂપારેલ સહિતનાઓ જોડાયા હતા. મહાશિવરાત્રિ પર્વ નિમિતે લખપત તાલુકાના કોટેશ્વર મહાદેવના મંદિરે ભાવિકોની ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત માંડવીના નાગનાથ મહાદેવ, હાટકેશ્વર મહાદેવ, ચપલેશ્વર મહાદેવ, નિલકંઠ મહાદેવ મંદિરોમાં પૂજન, અર્ચન, આરતી યોજાઈ હતી. નલિયા, કોઠારા, મુન્દ્રા, નખત્રાણા, મીરઝાપર, સુખપર, માનકુવા, દેશલપર, દહિંસરા, કેરા, બળદિયા, ભારાપર, માધાપર, કુકમા ખાતે આવેલા મહાદેવના મંદિરોમાં ભાવિકોની હાજરી જોવા મળી હતી.