રતલામના શખ્સ પાસેથી ડ્રગ્સ લઈને ડિલિવરી આપવા આવી હતી
રૂપિયા ૩.૫૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ
એક મહિલા નશીલા પદાર્થની ડિલિવરી આપવા માટે આણંદના નવા બસ મથક પાસે ઉભી છે અને ડિલિવરી લેવા આવનાર શખ્સની રાહ જોઈ રહી હોવાની માહિતી આણંદ એસઓજી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ સરદાર બાગ પાસે પહોંચી ગઈ હતી અને તપાસ કરતા હાથમાં થેલો લઈને એક રિક્ષાની પાછળ ઉભેલી મહિલા જોવા મળતા પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી પાડી હતી. પોલીસે મહિલાની પાસે રાખેલા થેલામાં તપાસ કરતાં અંદરથી એક પ્લાસ્ટિકની કોથળીમાં શંકાસ્પદ માદક પદાર્થ મળી આવ્યો હતો. જેથી પોલીસે મહિલાને અટકમાં લઈ એસઓજી પોલીસ મથકે લાવી તેની પાસેથી મળી આવેલો પદાર્થ શું છે તે અંગે તપાસ કરવા માટે એફએસએલને જાણ કરાતા એફએસએલની ટીમ પણ આવી પહોંચી હતી અને મહિલા પાસેથી મળેલા પદાર્થની ચકાસણી કરતા માદક પદાર્થ એમડી ડ્રગ્સ હોવાનું ખુલવા પામ્યો હતું.
પોલીસે એમડી ડ્રગ્સનુંં વજન કરતા ૧૧૬ . ૨૭૦ ગ્રામ થયું હતું. જેની અંદાજિત કિંમત રૂપિયા ૩,૪૮,૮૧૦ જેટલી થવા જાય છે. પોલીસે એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલી મહિલાના નામઠામ અંગે પૂછતા તેણે મંજુ જગદીશભાઈ ભુરીયા (રહે.જાંબુઆ, મધ્ય પ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી એમડી ડ્રગ્સ, મોબાઈલ મળી કુલ રૂપિયા ૩,૫૯,૪૭૯નો મુદ્દામાલ જપ્ત કરી આણંદ શહેર પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરાવી વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલી મંજુ ભુરીયા મધ્યપ્રદેશના રતલામથી નારાયણ નામના શખ્સ પાસેથી આ એમડી ડ્રગ્સ લઈને બસ મારફતે આણંદ ખાતે કોઈને ડિલિવરી આપવા માટે આવી હોવાનું જાણવા મળ્યું હતું. આણંદમાં કોને ડિલિવરી આપવાની હતી તે બાબતે પોલીસે મોબાઈલ નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે. રિમાન્ડ દરમિયાન આણંદમાં ચાલતા એમડી ડ્રગ્સના રેકેટનો પર્દાફાસ થવાની શક્યતા જોવાઈ રહી છે.
- શિક્ષણ નગરી આણંદમાં ડ્રગ્સનું દૂષણ : તંત્રનું મૌન
ઉલ્લેખનીય છે કે, શિક્ષણ હબ તરીકે જાણીતા આણંદ અને વિદ્યાનગરમાં આવેલી વિવિધ કોલેજોમાં બહારગામથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે, ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી આવા વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવી તેઓને નશાને રવાડે ચડાવતા અસામાજિક તત્વો દ્વારા આણંદ વિદ્યાનગરમાં નશીલા માદક પદાર્થોના વેચાણનું રેકેટ ચલાવવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. ખાસ કરીને વિદ્યાનગરના વિવિધ વિસ્તારોમાં માદક પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે પોલીસ દ્વારા આ અંગે સઘન ચેકિંગ હાથ ધરી માદક પદાર્થો ની હેરફેર કરતા તત્વોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.


