ગુજરાતી સાહિત્યના વિદ્વાન સંશોધક અને હાસ્ય લેખક મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’નું 100 વર્ષની વયે નિધન
શેક્સપિયરના નાટકોનો અનુવાદ હોય કે પારસી સાહિત્યના પ્રદાન પરનું સંશોધન ગુજરાતી સાહિત્યમાં એનો કોઈ જોટો જડે એમ નથી
એચ.કે.આર્ટ્સ કોલેજમાં તેઓ 1955થી 1983 સુધી ગુજરાતી ભાષાના પ્રાધ્યાપક રહ્યા હતા
અમદાવાદ, 28 જાન્યુઆરી 2023 શનિવાર
ગુજરાતી સાહિત્યકાર મધુસૂદન પારેખનું 100 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાન બાદ ગુજરાતી સાહિત્યજગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગુજરાત સમાચારમાં અડધી સદીથી ‘હું, શાણી અને શકરાભાઈ’અને ‘જેની લાઠી તેની ભેંસ’ કોલમ લખતા લેખક મધુસૂદન પારેખનું 100 વર્ષની વયે નિધન થયું હતું. મધરાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સવારે જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 2022ની 14મી જુલાઈએ તેમણે 100માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો.
પારસી રંગભૂમી પરનું તેમનું સંશોધન નોંધપાત્ર
મૂળ સુરતના મધુસૂદન પારેખ 1923ની 14મી જુલાઈએ જનમ્યા હતા. ગુજરાતી ભાષામાં હાસ્ય લેખક તરીકે તેઓ જાણીતા છે. પરંતુ ગુજરાતી ભાષા-સાહિત્યમાં તેમણે કરેલું સંશોધન પણ એટલું જ મહત્વનું છે. ગુજરાતી સાહિત્ય પરિષદે તેમની ઓળખમાં તેમને હાસ્યલેખક, વિવેચક, સંપાદક, અનુવાદક ગણાવ્યા છે. પારસી રંગભૂમી પરનું તેમનું સંશોધન નોંધપાત્ર છે. તો વળી શેક્સપિયરના નાટકોનો તેમણે કરેલો અનુવાદ પણ નમુનેદાર છે.
1955થી 1983 સુધી ગુજરાતી ભાષાના પ્રાધ્યાપક રહ્યા
સુરતમાં જન્મ્યા પછી તેઓ અમદાવાદ સ્થિર થયા હતા. ગુજરાતી સારસ્વત હિરાલાલ પારેખના તેઓ પુત્ર હતા એટલે સરસ્વતીના સંસ્કારો તેમને લોહીમાં જ મળ્યા હતા એમ કહી શકાય. અમદાવાદની એચ.કે.આર્ટ્સ કોલેજ બહુ પ્રસિદ્ધ છે. આ કોલેજમાં તેઓ 1955થી 1983 સુધી ગુજરાતી ભાષાના પ્રાધ્યાપક રહ્યા હતા. ગુજરાતી સાહિત્ય સભાના મંત્રી પણ રહ્યા અને કુમાર ચંદ્રકથી પણ તેમને સન્માનિત કરાયા હતા.
તેમનું સૌથી નોંધપાત્ર પુસ્તક કુસુમાખ્યાન
તેમના હાસ્યલેખોમાંથી પસંદ કરેલા લેખોના સંગ્રહો ‘હું’શાણી અને શકરાભાઈ’(1965)‘સૂડી સોપારી’(1967)‘રવિવારની સવાર’(1971)‘હું, રાધા અને રાયજી’(1974)‘આપણે બધા’(1975)‘વિનોદાયન’(1982)‘પેથાભાઈ પુરાણ’(1985)વગેરે પ્રકાશિત થયા છે. તેમનું સૌથી નોંધપાત્ર પુસ્તક ગણવુ હોય તો એ છે કુસુમાખ્યાન. તેમના પત્ની કુસુમબહેન વિશે તેમણે આ પુસ્તક લખ્યુ હતુ. ગુજરાતી સાહિત્યની એ વિરલ ઘટના હતી. કેમ કે 19મી સદીમાં મહિપતરામ નીલકંઠે પોતાના પત્ની માટે પાર્વતીકુંવર આખ્યાન લખ્યું હતું. એ પછી કોઈ મોટા સાહિત્યકારે પત્ની પર પુસ્તક લખ્યું હોય એવી ઘટના મધુસૂદન પારેખના કિસ્સામાં બની હતી. આ પુસ્તકમાં તેમના 65 વર્ષના દાંપત્યજીવનને આવરી લેવાયું હતું.
લગ્ન વખતે પણ રેશમી ખાદીનો ઝભ્ભો અને ખાદીની ટોપી જ પહેરી હતી
મધુસૂદન પારેખના લગ્ન 1949માં કુસુમદેવી સાથે થયા હતા. એ વખતનો યુગ ગાંધીયુગ હતો. પોતાના સંસ્મરણોમાં મધુસૂદન પારેખે લખ્યું છે કે હું ગાંધીજીથી પ્રભાવિત હતો. એમને વાંચતો અને ખાદી પણ અપનાવી લીધી હતી. લગ્ન વખતે પણ રેશમી ખાદીનો ઝભ્ભો અને ખાદીની ટોપી જ પહેરી હતી. એ કપડાંમાં પોતે કેવા લાગી રહ્યા છે એની ચિંતા પણ મંડપમાં તેમને થઈ હતી. શતાયુ પ્રવેશ વખતે તેમનો સન્માન સમારોહ યોજાયો હતો. છેલ્લે સુધી સ્વસ્થ અને હરતાં ફરતાં રહેતા પારેખ સાહેબ શરીરથી આપણી વચ્ચે નથી પરંતુ શબ્દસ્વરુપે તો અમર રહેશે જ.