૪૦ કરોડના ભ્રષ્ટાચારથી બનેલા હાટકેશ્વર બ્રિજ તોડવાનો ખર્ચ અજય ઈન્ફ્રા પાસેથી લેવાશે, મ્યુ.કમિશનર
હાટકેશ્વર બ્રિજને લઈ અકળાયેલા ભાજપના કોર્પોરેટરોએ કહયુ,બસ હવે બહુ થયું
અમદાવાદ,શુક્રવાર,19 સપ્ટેમ્બર,2025
રુપિયા ૪૦ કરોડના ખર્ચથી બનાવાયેલા હાટકેશ્વર બ્રિજ તોડવાની
કામગીરી હાલ ચાલે છે.બ્રિજ તોડવા રુપિયા ૩.૯૦ કરોડના ખર્ચે મુંબઈની શ્રી ગણેશ
કોર્પોરેશન નામની કંપનીને કામ અપાયુ છે. મ્યુનિ.બોર્ડ બેઠકમાં વિપક્ષની આ બ્રિજને
લઈ રજૂઆતને પગલે કમિશનર બંછાનિધી પાનીએ કહયુ, બ્રિજ
તોડવાનો ખર્ચ બ્રિજ બનાવનારા અજય ઈન્ફ્રાકોન પાસેથી લેવાશે.અજય ઈન્ફ્રા પણ
મ્યુનિસિપલ કોર્પોરેશનની વિરૃધ્ધમાં કોર્ટમાં ગયેલ છે. વિપક્ષની રજૂઆતને લઈ ભાજપના
કોર્પોરેટરો અકળાયા હતા.મોટાભાગના કોર્પોરેટરોએ ઉભા થઈ બસ હવે બહુ થયું એમ બોલવાની
ફરજ પડી હતી.
અમરાઈવાડીના કોંગ્રેસના કોર્પોરેટર જગદીશ રાઠોડની હાટકેશ્વર
બ્રિજ તોડવાની કામગીરી લઈ પુછવામા આવેલી કેટલીક બાબતોને લઈ મ્યુનિસિપલ કમિશનરે
કહયુ, છ અલગ
અલગ સ્ટેજમાં બ્રિજ તોડવાની કામગીરી કરાશે.બ્રિજ તોડવાની કામગીરીને લઈ
આઈ.આઈ.ટી.ગાંધીનગરની પણ ટેકનીકલ એડવાઈસ લેવામા આવી રહી છે.જેથી આસપાસના વિસ્તારમા
રહેતા લોકો અને વાહન ચાલકોને તકલીફ ના પડે.બ્રિજ તોડયા પછી આ જગ્યાએ નવો બ્રિજ બનાવાશે કે કેમ એ બાબતમાં
કમિશનરને પુછતા ભાજપના કોર્પોરેટરો અકળાઈ ગયા હતા અને કહયુ,બસ બેસી જાવ હવે
બહુ થયુ. આ તબકકે વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે વિરોધ વ્યકત કરતા કહયુ, મેયર તમારા કોર્પોરેટરોને કહો, ચૂપ થઈ જાય.રુપિયા
૪૦ કરોડનો ભ્રષ્ટાચાર હાટકેશ્વર બ્રિજ બનાવવામા થયો હતો આમ છતાં તમારા
કોર્પોરેટરોને ગંભીરતા નથી.