Gujarat

રુપિયા સો કરોડથી વધુના ખર્ચથી બનાવેલી AMC એ બનાવેલી ૨૭૩ કોમર્શિયલ મિલકત હંગામી ધોરણે વિભાગો વાપરશે

By GS TEAM
26 Jul 20253 mins read
રુપિયા સો કરોડથી વધુના ખર્ચથી બનાવેલી  AMC એ બનાવેલી ૨૭૩ કોમર્શિયલ મિલકત હંગામી ધોરણે વિભાગો વાપરશે

અમદાવાદ,શનિવાર,26 જુલાઈ,2025

અમદાવાદના નાગરિકો પાસેથી મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે રુપિયા ૧૭૦૦ કરોડથી વધુની રકમનો પ્રોપર્ટી ટેકસ વસૂલે છે.લોકોના ટેકસના નાણાંનુ આંધણ કરી  રુપિયા ૧૦૦ કરોડથી વધુના ખર્ચથી શહેરના અલગ અલગ વિસ્તારમાં ૨૭૩ કોમર્શિયલ મિલકત વેચી શકાઈ નથી. ૨૦૬ દુકાન, ૧૧ ગોડાઉન અને ૫૬ ઓફિસ નહીં વેચાતા આ તમામ મિલકતો કોર્પોરેશનના જુદા જુદા વિભાગોને હંગામી ધોરણે ઉપયોગમાં લેવા કોર્પોરેશનને નિર્ણય લેવાની ફરજ પડી છે.મીઠાખળી વિસ્તારમાં બે દાયકાથી પણ વધુ સમય પહેલા બનાવાયેલા ક્રીષ્ના કોમ્પલેકસની ૧૯ દુકાનો હજુ સુધી વેચી શકાઈ નથી.

કોર્પોરેશન દ્વારા કરોડો રુપિયાનો ખર્ચ કરી બનાવાયેલા સિંધુભવન અને પ્રહલાદનગર મલ્ટિલેવલ પાર્કીંગની દુકાનો અને ઓફિસો વેચાણથી લેવા કોઈ તૈયાર થતુ નથી. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તથા નવરંગપુરા મલ્ટિલેવલ પાર્કીંગ ખાતે બનાવાયેલી દુકાનો અને ઓફિસો પૈકી પણ ઘણી દુકાનો અને ઓફિસો વેચી શકાતી નથી.આ પરિસ્થિતિમાં શહેરના  ગીતા મંદિર પાસે આવેલા આરોગ્ય ભવન તેમજ અલગ અલગ વોર્ડમાં બનાવાયેલા એલ.આઈ.જી., ઈ.ડબલ્યુ.એસ. આવાસ યોજના તેમજ ગોતા અને બોડકદેવ વોર્ડ અને નરોડામાં બનાવાયેલા વેજીટેબલ માર્કેટની નહીં વેચી શકાયેલી દુકાનો ,ગોડાઉન તથા ઓફિસો કોર્પોરેશનના અલગ અલગ વિભાગોને તેમના ખાતાની કામગીરી માટે હંગામી ધોરણે વપરાશ માટે આપવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પરિપત્ર કરી મંજુરી આપી છે.જે તે ખાતાએ આ મિલકતો હંગામી ધોરણે વપરાશ માટે લેવા તેમના વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ભલામણ સાથે સંબંધિત ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને મોકલવાની રહેશે.ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર આ ભલામણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(અર્બન ડેવલપમેન્ટ) મારફતે મ્યુનિસિપલ કમિશનરની મંજુરી માટે મોકલશે.સત્તાવાર સૂત્રોમાંથી મળેલી વિગત અનુસાર,મ્યુનિ.ની આ મિલકતોનો જે વિસ્તારમાં આધાર કાર્ડ માટેનુ સેન્ટર ના હોય ત્યાં આધાર સેન્ટર બનાવવા માટે થઈ શકે છે. આ ઉપરાંત મેલેરિયા -હેલ્થ વર્કર સહીતની અન્ય પ્રકારની કામગીરી કરતા રોજમદાર માટે થઈ શકે છે.

કોર્પોરેશનની કયાં-કેટલીવેચાયા વગરની કોમર્શિયલ  મિલકતો?

ઝોન            વોર્ડ                  દુકાન    ઓફિસ      ગોડાઉન

ઉ.પ.   ચાંદલોડીયા,ગોતા,બોડકદેવ     ૭૧     ૧૮           ----

પશ્ચિમ પાલડી,ચાંદખેડા, મીઠાખળી      ૪૬     --           ---

મધ્ય   સારંગપુર,ઈદગા રોડ,અસારવા  ૩૪     ૩૮         ૦૩

પૂર્વ  વસ્ત્રાલ,રખિયાલ, ઓઢવ           ૩૧     --            --

ઉત્તર    નરોડા                       ૦૮       --          ૦૫

દક્ષિણ    ----                       ૨૪                  ---      

૩૦૦ કરોડથી વધુના ખર્ચે બનેલા સિંધુભવન રોડ ઉપરમલ્ટિલેવલ પાર્કીંગમાં દુકાન,ઓફિસ ખાલી

કોર્પોરેશન દ્વારા રુપિયા ૩૧૫ કરોડના ખર્ચે સિંધુભવન રોડ ઉપર મલ્ટિલેવલ પાર્કીંગ બનાવાયુ છે.આ પાર્કીંગના પહેલા અને પાંચમા માળ ઉપર બનાવાયેલી ઓફિસો અને દુકાનો જાહેર હરાજીથી ૯૯ વર્ષના ભાડા પટ્ટે આપવા નિર્ણય કરાયો હતો. આ પાર્કીંગમાં હાલમા પણ અનેક દુકાનો અને ઓફિસ ખાલી છે. આ પ્રકારની સ્થિતિ પ્રહલાદનગર અને નવરંગપુરા વિસ્તારમાં બનાવાયેલા મલ્ટિલેવલ પાર્કીંગમાં જોવા મળી રહી છે.

મ્યુનિ.ની મિલકતો અન્યોને અપાશે એ માટે કોઈ ચોકકસ માપદંડ નથી

શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી ૨૭૩ કોમર્શિયલ મિલકત કોર્પોરેશનના વિવિધ વિભાગોને હંગામી સમય માટે ઉપયોગમાં આપવા નિર્ણય કરાયો છે. પરંતુ આ મિલકતો પાછલા બારણેથી મ્યુનિ.ના અધિકારીઓ કે કર્મચારીઓ તેમના સ્વજનોને વપરાશ માટે આપી દે તેવા કીસ્સામાં શું પગલા ભરાશે એ અંગે કોઈ ચોકકસ માપદંડ નથી. આ બાબતને લઈ એસ્ટેટ ઓફિસરનો સંપર્ક સાધવા પ્રયાસ કરતા તેમણે સંપર્ક કરવાનુ ટાળ્યુ હતુ.