એમ. કે. દાસની ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક, પંકજ જોશીની નિવૃત્તિ બાદ સંભાળશે ચાર્જ

Gujarat Chief Secretary: ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. વરિષ્ઠ IAS અધિકારી એમ. કે. દાસને ગુજરાતના ચીફ સેક્રેટરી (મુખ્ય સચિવ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં તેઓ મુખ્યમંત્રી કાર્યાલય(CMO)માં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે.

મળતી માહિતી અનુસાર, વર્તમાન ચીફ સેક્રેટરી પંકજ જોશી 31મી ઑક્ટોબરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. પંકજ જોશીની નિવૃત્તિ બાદ એમ. કે. દાસ (M. K. Das) રાજ્યના ચીફ સેક્રેટરી તરીકેનો પદભાર પહેલી નવેમ્બરથી સંભાળશે. નોંધનીય છે કે, એમ. કે. દાસ ગુજરાત કેડરના અગ્રણી અધિકારી છે અને CMOમાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહી છે.
એમ. કે. દાસે અનેક મહત્ત્વપૂર્ણ હોદ્દા સંભાળ્યા
ગુજરાતના ચીફ સેક્રેટરી (મુખ્ય સચિવ) તરીકે નિયુક્ત થયેલા એમ. કે. દાસ, જેમનું પૂરું નામ મનોજ કુમાર દાસ છે, ભારતીય વહીવટી સેવા(IAS)ના એક જાણીતા અને અનુભવી અધિકારી છે. વર્ષ 1990 બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ અધિકારી એમ. કે. દાસ પ્રભાવશાળી નેતૃત્વ, પારદર્શક વહીવટ અને ટૅક્નોલૉજીકલ પૃષ્ઠભૂમિ માટે જાણીતા છે.
મનોજ કુમાર દાસનો જન્મ 20મી ડિસેમ્બર 1966ના રોજ બિહારના દરભંગા જિલ્લામાં થયો હતો. તેમની શૈક્ષણિક યોગ્યતા તેમને અન્ય વહીવટી અધિકારીઓથી અલગ પાડે છે. તેમણે દેશની પ્રતિષ્ઠિત સંસ્થા IIT ખડગપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક.(ઓનર્સ)ની ડિગ્રી પ્રાપ્ત કરી છે, જે દર્શાવે છે કે વહીવટની સાથે ટૅક્નોલૉજી અને નવીનતા પર પણ તેમની મજબૂત પકડ છે.
IAS અધિકારી તરીકેના તેમના લાંબા કાર્યકાળ દરમિયાન એમ. કે. દાસે ગુજરાતમાં અનેક મહત્ત્વપૂર્ણ હોદ્દા સંભાળ્યા છે. તેમણે વડોદરા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર તરીકે સફળતાપૂર્વક કામ કર્યું છે, જ્યાં તેમના નેતૃત્વ હેઠળ શહેર વિકાસ, સ્વચ્છતા અને શહેરી આયોજનમાં નોંધપાત્ર સુધારાઓ નોંધાયા હતા.
ગુજરાત મરીન બોર્ડ(GMB)ના ચેરમેન તરીકે તેમણે રાજ્યના દરિયાકાંઠાના વિકાસ અને બંદર સંચાલનના ક્ષેત્રે નવી નીતિઓ અમલમાં મૂકીને મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. વર્ષ 2018માં તેમની નિમણૂક મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે થઈ હતી. આ ઉપરાંત તે હાલમાં ગુજરાત સરકારમાં એડિશનલ ચીફ સેક્રેટરી (હોમ વિભાગ) તરીકે સેવા આપી રહ્યા છે.

