- રાજકોટની ચોંકાવનારી ઘટના, લંપટ શિક્ષક ફરાર
- શિક્ષકને મદદગારી કરનાર શિક્ષિકાની ધરપકડ, શિક્ષક અને શિક્ષિકાએ મળી ભોગ બનનાર મહિલાના લગ્ન પણ ફોક કરાવ્યાં
- આરોપી શિક્ષકમાં રીઢા ગુનેગાર જેવા તમામ લક્ષણો, બ્લેકમેઇલિંગ કરી રૂા. ૪.૨૫ લાખ પડાવ્યા
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટમાં રહેતી અંદાજે ૩૫ વર્ષની ભોગ બનનાર મહિલા સાધુ વાસવાણી રોડ પરના પાટીદાર ચોક પાસે રવિ એપાર્ટમેન્ટ-૨માં રહેતી શિક્ષિકા પ્રિતિની બહેનપણી હતી. પ્રિતિ મારફત તે શિક્ષક મુકેશના પરિચયમાં આવી હતી. પ્રિતિ અને મુકેશ શિક્ષક હોવાથી પહેલેથી જ એકબીજાને ઓળખતા હતાં. ૨૦૨૨ની સાલમાં ભોગ બનનાર મહિલા ઉપર શિક્ષક મુકેશે પ્રિતિના ફલેટમાં સૌ પ્રથમ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. તે વખતે બંનેને પ્રિતિએ જ એકાંત પુરું પાડયું હતું. આ વખતે શિક્ષક મુકેશે ભોગ બનનાર મહિલાના ન્યૂડ ફોટા પાડી અને વીડિયો પણ ઉતારી લીધો હતો.
ત્યાર પછી તેણે તેના આધારે ભોગ બનનાર મહિલા ઉપર અવારનવાર પ્રિતિના ફલેટમાં દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં, રૂા. ૪.૨૫ લાખ પણ કટકે-કટકે બળજબરીથી પડાવી લીધા હતાં. આખરે થોડા સમય પહેલાં ભોગ બનનાર મહિલાના લગ્ન નક્કી થયા હતાં. જેની જાણ થતાં મુકેશે લગ્ન ફોક કરાવ્યા હતા. આખરે ભોગ બનનાર મહિલાએ ગાંધીગ્રામ-૨ પોલીસ મથકનો સંપર્ક કરતાં તેના સ્ટાફે શિક્ષક મુકેશ અને શિક્ષિકા પ્રિતિ સામે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો, જેમાંથી હાલ પ્રિતિની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે શિક્ષક મુકેશ હજુ હાથમાં આવ્યો નથી.
- શિક્ષિકા કેમ પરવર્ટ શિક્ષકની મદદ કરતી? પૂછતાછ થશે
પરવર્ટ શિક્ષક પરિણીત અને ૧૩ વર્ષની પુત્રીનો પિતા હોવાની માહિતી પોલીસને મળી છે. આ સમગ્ર કેસમાં આરોપી પ્રિતિ, આરોપી મુકેશને ક્યા કારણથી આટલી બધી મદદ કરતી હતી તે બાબતને લઇને પોલીસ પણ ચકરાવે ચડી છે. આ બાબત જાણવા માટે પોલીસ પ્રિતિની ઘનિષ્ઠ પૂછપરછ કરશે.
- કારમાં માર માર્યો, લગ્નસ્થળે પહોંચીને પરિવારને ધમકી
આરોપી શિક્ષક હંમેશા ભોગ બનનાર મહિલાને તેના ન્યૂડ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલિંગ કરતો હતો. એક વખત તો તેણે ભોગ બનનાર મહિલાને પોતાની કારમાં ચાર્જિંગના વાયર અને કડાથી માર પણ માર્યો હતો. એટલું જ નહીં તે અને પ્રિતિ લગ્નના સ્થળે પણ પહોંચી ગયા હતાં અને ભોગ બનનાર મહિલાના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


