બંટી-બબલી જેવી મામા-ભાણેજની જોડી: સસ્તામાં સોનાના બિસ્કીટ અપાવવાની લાલચ આપી રૂા. 22.35 લાખ પડાવ્યા
- અડાજણમાં ક્રિપ્ટો કરન્સી, સોનાના બિસ્કીટનો ધંધો કરનાર મામા-ભાણેજનું કારસ્તાનઃ બજાર ભાવ કરતા 10 હજાર ઓછા ભાવનું પ્રલોભન આપ્યું
- રોકડા લઇ બાજુની ઓફિસમાં બિસ્કીટ લેવા જનાર કહીને મામા રફુચક્કર થઇ ગયા, ભાણેજ વકીલની ઓફિસે જવાનું છે કહી રવાના થઇ ગયો
સુરત
અડાજણ એલ.પી. સવાણી રોડ પર ક્રિપ્ટો કરન્સી અને સોનાના બિસ્કીટ વેચવાની ઓફિસ ધરાવતા ઠગ મામા-ભાણેજે સિંગણપોરના ઓનલાઇન ધંધાર્થી અને તેના ત્રણ મિત્રોને બજાર ભાવ કરતા 10 હજાર રૂપિયા સસ્તામાં સોનાના બિસ્કીટ અપાવવાની લાલચ આપી 22.35 લાખ પડાવી લઇ મારી નાંખવાની ધમકી આપતા મામલો અડાજણ પોલીસમાં પહોંચ્યો છે.
સિંગણપોરના શીવાન એવન્યુમાં રહેતો અને ઓનલાઇન સેલીંગનો ધંધો કરતા જેનીશ નરેન્દ્ર શેટા (ઉ.વ. 22 મૂળ. રૂષિરાજ નગર, દેસાઇનગર સામે, ભાવનગર) નો બે વર્ષ અગાઉ વિરેશ રવજી તળસળીયા (ઉ.વ. 29 રહે. 61, યોગીનગર, ડભોલી રોડ અને મૂળ. નાની વડાળ, તા. સાવરકુંડલા, જિ. અમરેલી) સાથે કતારગામના પાનના ગલ્લા પર પરિચય થયો હતો. વિરેશે અડાજણ એલ.પી. સવાણી રોડ પર પેન્ટાલુન કોમ્પ્લેક્ષમાં મામા મનસુખ બાલુભાઇ ધોળકીયા (ઉ.વ. 50 રહે. એ 101, ધનમોરા કોમ્પ્લેક્ષ, અડાજણ અને મૂળ રામગઢ, તા. સાવરકુંડલા, જિ. અમરેલી) સાથે ઓફિસ ધરાવે છે અને ક્રીપ્ટો કરન્સી અને સોનાના બિસ્કીટનો ધંધો કરતા હોવાનું કહ્યું હતું. વિરેશે ગત જુન મહિનામાં જેનીશને બજાર કરતા 10 હજાર રૂપિયા ઓછા ભાવે બિસ્કીટ આપવાની લાલચ આપી રોકાણ કરવા કહ્યું હતું. જેથી જેનીશ અને તેના મિત્ર દર્શન જીવાણી, વિજય, આકાશ સલીયા, ધર્મેન્દ્રસિંહ મોરી અને વિજય ભડીયાદરાએ વિરેશની ઓફિસે જઇ રોકડા 22.35 લાખ બિસ્કીટ ખરીદવા આપ્યા હતા. વિરેશે 22.35 લાખ મામા મનસુખને આપી બાજુની ઓફિસમાંથી 5 બિસ્કીટ લઇ આવવા કહ્યું હતું.
પરંતુ મનસુખ બિસ્કીટ લેવા જવાના બહાને અને વિરેશ મારે વકીલને મળવા જવાનું છે કહી રફુચક્કર થઇ ગયા હતા. જેનીશે બિસ્કીટ માટે વિરેશને ફોન કરતા બીજા દિવસે આપીશ એમ કહી વાયદા કર્યા હતા. બિસ્કીટ આપવાનું કહી વાયદા કર્યા હતા અને 25 જુલાઇ સુધીમાં રોકડા પરત આપશે એવી નોટોરાઇઝ પ્રોમિસરી નોટ લખી આપી હતી. પરંતુ રોકડ આપવાને બદલે વિરેશે મેં તમને રૂપિયા આપી દીધા છે, હવે ઉઘરાણી કરશો તો મારી નાંખીશ તેવી ધમકી આપતા છેવટે ઠગ મામા-ભાણેજ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી એક દિવસનો રિમાન્ડ મેળવ્યો છે.