ગુજરાતના 12 જિલ્લામાં લમ્પી વાઈરસના 462 કેસ, 23 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું
AI Images |
Lumpy Virus: ગુજરાતમાં ફરી એકવાર લમ્પી વાઈરસે માથું ઊંચક્યું છે. ત્યારે રાજ્યના 12 જિલ્લાના 172 ગામમાં લમ્પી વાઈરસના 462 કેસ નોંધાયા હતા. ગૌ વંશને મચ્છર/માખીથી ફેલાતા આ લમ્પી વાઈરસથી બચાવવા માટે પશુપાલન વિભાગે આ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને સારવાર શરૂ કરાઈ હતી. જેના પરિણામે અત્યાર સુધીમાં 426 પશુઓ સ્વસ્થ થયા છે. જ્યારે 28 પશુઓ સારવાર હેઠળ છે.
પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો જણાય તો 1962 નંબર પર કોલ કરવો
પશુપાલન વિભાગ દ્વારા સારવાર હેઠળના અસરગ્રસ્ત ગૌ વંશનું નિયમિત ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, અમરેલી, બોટાદ, કચ્છ, સુરત, નવસારી, તાપી અને અમદાવાદને મળીને કુલ 12 અસરગ્રસ્ત જિલ્લામાં પશુઓને લમ્પીથી સુરક્ષિત કરવા સર્વેલન્સ અને રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજ્યના કુલ 23 લાખથી વધુ પશુઓનું રોગપ્રતિકારક રસીકરણ કરવામાં આવ્યું છે. આ રસીકરણના પરિણામે જ ગુજરાતના મહત્તમ પશુઓને લમ્પી મુક્ત રાખવામાં સફળતા મળી છે. આ ઉપરાંત હજુ પણ ક્યાંય પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો જણાય તો પશુપાલકોએ ટોલ ફ્રી નંબર-1962 પર સંપર્ક કરીને અથવા નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરીને જાણ કરવાની રહેશે.
પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણો
પશુઓ ખાવાનું બંધ કરી દે છે અથવા તો ઓછું ખાય છે. ચામડી પર ફોલા જેવી ગાંઠો ફેલાય છે. શરીરનું તાપમાન વધી જાય છે. રોગ પ્રતિકારકશકિત ઓછી થાય છે. પશુઓને આ રોગમાંથી મુક્ત થતા 2થી 3 જેટલા અઠવાડિયા થાય છે. દૂધાળ પશુઓનું દૂધ ઉત્પાદન ખૂબ ઘટી જાય છે. જો યોગ્ય કાળજી અને સારવાર ના રાખવામાં આવે તો પશુઓ માટે લમ્પી વાઈરસ જીવલેણ બને છે.
લમ્પી વાઈરસને રોકવાના ઉપાય
•જ્યાં પશુઓને રાખવામાં આવ્યા તે સ્થળને જંતુનાશક દવાઓ અને રસાયણોથી સેનિટાઈઝ કરવામાં આવે જેથી વાઈરલ નષ્ટ થઈ જાય.
•સંક્રમિત પશુને સ્વસ્થ પશુઓથી અલગ રાખવા જોઈએ.
•તાત્કાલિક પશુઓના ડૉક્ટરનો સંપર્ક કરીને પશુની સારવાર શરૂ કરવી જોઈએ.
•બીમારી વિશે રાજ્ય સરકારને માહિતી આપવી જોઈએ.
•સ્વસ્થ પશુઓને એલએસડી પોક્સ વેક્સિન કે ગોટ પોક્સ વેક્સિન લગાવવી જોઈએ.
•મૃત પશુના મૃતદેહનુ સાવધાનીપૂર્વક અંતિમ સંસ્કાર કરવુ જોઈએ કેમકે તેનાથી પણ બીમારી ફેલાવાનુ જોખમ રહેશે. શ્રેષ્ઠ એ રહેશે કે આવા મૃતદેહોને સળગાવી દેવામાં આવે.