મજૂર મહાજન સામે ફરિયાદ વધી એટલે અઢી વર્ષ વહેલી ચૂંટણી યોજી વિરોધીઓનો એકડો કાઢવાનો કારસો
૧૧ સભ્યના વિરોધને કારણે ચૂંટણી કેન્સલ કરી દેવાની ફરજ પડીઃ શ્રમ રજિસ્ટ્રારે પંદરમી મેએ હાજર થવા મજૂર મહાજનના હોદ્દેદારોને બોલાવ્યા પણ કોઈ હાજર ન થયા
મહાજનની મિલકત પચાવી પાડનાર કોર્ટ કેસમાં હારી ગયા છતાંય મિલકત ખાલી કરાવી કબજો લેવાનો કોઈ પ્રયાસ ન કર્યો
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, શનિવાર
મહાત્મા ગાંધીએ સ્થાપેલી સંસ્થાની વર્તમાન કારોબારીના સભ્યોની અનિયમિતતા સામે ફરિયાદ કરવામાં આવી તો કારોબારીમાંના અને મંત્રીમંડળમાંના વિરોધીઓનો એકડો કાઢી નાખવા એકાએક નવમી મેએ ચૂંટણી યોજવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. દર પાંચ વર્ષે ચૂંટણી યોજવાનો નિયમ હોવા છતાં અઢીથી ત્રણ વર્ષે જ ચૂંટણી યોજવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. પરંતુ તેની સામે વિરોધ નોંધાવવામાં આવતા ૧૨મી મેએ ચૂંટણી યોજવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. આમ મજૂર મહાજનના વર્તમાન હોદ્દેદારો બેફામ નિર્ણયો લઈ રહ્યા હોવાની એક ફરિયાદ પણ શ્રમ કચેરીના રજિસ્ટ્રારને કરવામાં આવી છે.
નાયમ શ્રમ કમિશનરની કચેરીને ૮મી મે ૨૦૨૫ના દિવસે આપવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે દાતાઓએ મજૂર મહાજનને દાનમાં આવેલી મિલકતો મંત્રીઓ વેચી રહ્યા છે. મિલમજૂરના નાણાંનું લાખો રૃપિયાનું કૌભાંડ આચરીને મજૂરોને નાણાંથી વંચિત રાખેલા છે. હાઉસિંગ બોર્ડની માલિકીની જમીન ધર્મેન્દ્ર પ્રજાપતિને વેચીને તેની પાસેથી લીધેલા રૃપિયામાંથી બાવન લાખનો હિસાબ જ આપવામાં આવ્યો નથી.
મજૂર મહાજનના વર્તમાન હોદ્દેદારો સામે આક્ષેપ કરતાં જણાવવામાં આવ્યું હતું કે કારોબારીની દર મહિને બોલાવવાની થતી મિટિંગ પણ યોજવામાં આવતી નથી. ગત ૧૧મી એપ્રિલે કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ઝવેર દેસાઈએ મજૂર મહાજનનું કબજે કરેલું મકાનને લગતો કેસ હારી ગયા છે. તેમ છતાં. તેમની પાસેથી મકાનનું પઝેશન લેવામાં આવતું નથી. આ મકાન મજૂર મહાજનના પ્રમુખ રમણલાલ પટેલની સહીતી આપી દેવામાં આવ્યું હતું.મિલકત કબજે કરી લેવાના કેસમાં હારી ગયેલા ઝવેર દેસાઈને સંસ્થા વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ ભૂતકાળમાં સસ્પેન્ડ પણ કર્યા હતા.
મજૂર મહાજનની માલિકીની પાનકોર નાકાની, બાપુનગરની, રિલીફ રોડ પર પોસ્ટ ઓફિસ પાસેની તથા કામા હોટેલ પાસે રિવરફ્રન્ટ પરની જગ્યાઓ વેચીને કારોબારીના સભ્યો પૈસા ઘરભેગા કરી રહ્યા છે. તેનો હિસાબ આપતા નથી. તેમ જ ટ્રસ્ટના હિસાબોનું ઓડિટ પણ કરવામાં આવતું નથી.
સંસ્થા સાથે લેવાદેવા ન હોય તેવા લોકો ગેરવહીવટ કરી રહ્યા છે. ભ્રષ્ટાચાર આચરીને સંસ્થાને દાનમાં આપેલી મિલકતો વેચી પણ રહ્યા છે. સંસ્થાની મિલકતમાં જ સંસ્થામાંના નાણાં ગેરભેગા કરવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે.
મજૂર મહાજનમાં કરેલા ઠરાવો શ્રમ કચેરીના રજિસ્ટ્રારને મોકલ્યા જ નથી
મજૂર મહાજને ૨૦૨૨થી ૨૦૨૫ના ત્રણેક વર્ષના ગાળામાં કરેલા ઠરાવની નકલો શ્રમ કચેરીના રજિસ્ટ્રારને મોકલવાના નિયમને મજૂર મહાજન ઘોળીને પી ગયું છે. મજૂર મહાજનના વર્તમાન હોદ્દેદારોએ ઠરાવની નકલ મોકલી જ નથી. શ્રમ કચેરીના રજિસ્ટ્રાર અલ્પેશ પટેલને મજૂર મહાજનમાં ચાલતી ગેરરીતિઓ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેઓ કોઈ જ પગલાં લેતા નથી.