આઇસીયુની આગની જીવલેણ ઘટના છતા હોસ્પિટલ ધડો લેતું નથી
એક ડઝનથી વધુ જોખમી સિલિન્ડરનો ખડકલોઃ૬૦૦થી વધુ દર્દીઓ ઉપરાંત તબીબો-સ્ટાફની જીંદગી દાવ ઉપર
રાજધાનીની સિવિલમાં ૬૦૦ બેડની હોસ્પિટલ બિલ્ડીંગમાં
ગ્રાઉન્ડ ફ્લોર સહિત ત્રણ માળ યુએન મહેતા ઈન્સ્ટિટયૂટને ફાળવવામાં આવ્યા છે. અહીં
હૃદય અને ન્યુરોની ગંભીર બીમારીઓ ધરાવતા ક્રિટિકલ દર્દીઓને આઇસીયુમાં દાખલ કરીને
સારવાર આપવામાં આવી રહી છે. જો કે,
ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલી કેન્ટીનમાં વપરાતા એલપીજી ગેસ સિલિન્ડરોને બહારની
બાજુ ખુલ્લામાં રાખવામાં આવ્યા છે,
જ્યાં સતત તડકો પડે છે. આ સિલિન્ડરોની ઉપર જ હાર્ટ પેશન્ટ્સન આઇસીયુ આવેલું છે, જેના કારણે
બ્લાસ્ટ અથવા આગ લાગવાથી મોટી દુર્ઘટનાનું જોખમ વધી ગયું છે. આમ છતાં, અહીં કોઈ
ડિઝાસ્ટર પ્લાન કે સુરક્ષા પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે દર્દીઓ અને સ્ટાફના જીવનને ગંભીર ખતરો છે.
જિલ્લા વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડ દ્વારા આવી વ્યવસ્થા માટે એનઓસી કેવી રીતે
આપવામાં આવી તે પ્રક્રિયા પણ સવાલોમાં ઘેરાઈ ગઈ છે. અમદાવાદ, સુરત અને ભાવનગર
જેવા શહેરોમાં આવી હાર્ટ હોસ્પિટલોના આઇસીસીયુમાં આગ લાગવાના અનેક બનાવો બન્યા છે, ત્યારે પાટનગરમાં
પણ આવી ઢીલી નીતિ અધિકારીઓની લાપરવાહીને ઉજાગર કરે છે.આવી પરિસ્થિતિમાં તાત્કાલિક
સુરક્ષા પગલાંની જરૃર છે,
પરંતુ હોસ્પિટલ વહીવટ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.
ફાયર વિભાગની એનઓસી કઇ રીતે મળી?ઃડિઝાસ્ટર તંત્ર
પણ હજુ ઉંઘમાં
કોરોનાકાળામાં હોસ્પિટલો અને ખાસ કરીને આઇસીસીયુમાં આગના
બનાવો બનતા હતા જેના કારણે તમામ હોસ્પિટલોમાં નવી એસઓપી જાહેર કરીને આઇસીસીયુને
વધુ સુરક્ષિત અને સલામત બનાવવાનો સરકાર દ્વારા દાવો કરવામાં આવે છે પરંતુ સરકારી
સિવિલની ૬૦૦ બેડની હોસ્પિટલ બિલ્ડીંગમાં કાર્યરત યુ.એન.મહેતા ઇન્સ્ટિ.ની
કેન્ટીનમાં બહારની બાજુમાં એક ડઝનથી પણ વધુ એલપીજી સિલિન્ડર રાખવામાં આવે છે તેની
ઉપરની બાજુમાં આઇસીસીયુ સહિત ઘણા વોર્ડ પણ આવેલા છે. અહીં કોઇ નિયમોનું પાલન થતું
સ્પષ્ટ દેખાતું નથી તેમ છતા ફાયર વિભાગ દ્વારા કઇ રીતે એનઓસી આપી દેવામાં આવી તે
સવાલ ઉભો થાય છે. સાથે જ જિલ્લા ડિઝાસ્ટર તંત્ર પણ અવાર નવાર ચેકીંગ કરવા આવે છે
પરંતુ આ ચેકીંગ ફક્ત કાગળ ઉપર જ થતું હોય તેમ આ સ્થિતિ ઉપરથી સ્પષ્ટ થાય છે.


