Get The App

માર્કેટ કરતાં સસ્તા ભાવે સોનુ ખરીદવા જતા રૂ. 31.46 લાખ ગુમાવ્યા

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
માર્કેટ કરતાં સસ્તા ભાવે સોનુ ખરીદવા જતા રૂ. 31.46  લાખ ગુમાવ્યા 1 - image

શહેરના હરણી વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા શિવમ ટોકરકરે પોતાના જ ટીમ લીડર દ્વારા કરાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ તેમની કંપનીમાં ટીમ લીડર તરીકે ફરજ બજાવતો જીતેન્દ્રસિંઘ માનકસિંઘ રાજપુરોહિત (રહે- આદિત્ય એસ્પાયર, વાસણા-ભાયલી રોડ / મૂળ રહે- મુંબઈ) થોડા સમય પહેલાં નોકરી છોડી ગયો હતો.  ફેબ્રુઆરી માસમાં જીતેન્દ્રે ગોલ્ડ ખરીદવાની સ્કીમ આપતાં શિવમ અને તેમના મિત્રોએ મળીને આશરે 20 તોલા સોનું ખરીદ્યું હતું. ત્યારબાદ માર્ચ મહિનામાં સસ્તા ભાવે સોનું અપાવવાનો ભરોસો આપતા શિવમે જુદાં જુદા સમયગાળામાં કુલ રૂ. 11.34 લાખ આપ્યા હતા. જીતેન્દ્રે મોટી ખરીદી કરવા મિત્ર પરીક્ષિત દેસાઈ પાસેથી પણ રૂ. 32.12 લાખ લીધા હતા. 25 દિવસમાં કુલ 52 તોલા સોનું આપવાની વાત કહી હતી. હાલમાં જીતેન્દ્રે માત્ર રૂ. 12 લાખ જ પરત આપ્યા છે, જ્યારે બાકીના રૂ. 31,46,500 હજુ સુધી ન આપતા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. 

હોમ એપ્લાયન્સ સસ્તામાં અપાવવાના બહાને વિશ્વાસ જીત્યો હતો

જીતેન્દ્રે શરૂઆતમાં શિવમ અને તેમના ઓળખીતા લોકોને લાલચ આપી હતી કે, હોમ એપ્લાયન્સ માર્કેટ ભાવ કરતાં ઓછી કિંમતે અપાવી દેશે. એડવાન્સ લઈ 10–15 દિવસમાં વસ્તુઓ આપી દેતો હતો અને ક્યારેક વસ્તુ ન મળે તો રૂપિયા પણ પરત કરતો હતો. આ રીતે તેણે વિશ્વાસ કેળવ્યો હતો.