ડેટિંગ એપ પર પરિચય બાદ ફોરેક્ષ ટ્રેડિંગ કરવા જતાં રૂા. 13 લાખ ગુમાવવા પડયા
રાજકોટમાં એડવર્ટાઈઝિંગનું કામ કરતા યુવાને યુવાનને ડેટિંગ એપ ઉપર મિત્રતા કરનાર મહિલા હતી કે પુરૂષ તેની પણ જાણ ન હતી
રાજકોટ, : ડેટિંગ એપ પર પરિચય થયા બાદ ફોરેક્ષ ટ્રેડિંગ કરી પૈસા કમાવવા ગયેલા રવિભાઈ જગદિશભાઈ વીરપરીયા (ઉ.વ. 36)એ રૂા.13.30 લાખ ગુમાવ્યા હતા. સાયબર ક્રાઈમ પોલીસે જે ચાર બેન્ક ખાતામાં ઠગાઈની રકમ જમા થઈ હતી તેના ધારકો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
રણુંજા મંદિર પાસે શિવધામ સોસાયટી શેરી નં.રમાં રહેતાં રવિભાઈ એડવર્ટાઈઝિંગનું કામ કરે છે. તેણે પોલીસને જણાવ્યું કે ગત ફેબુ્રઆરી માસમાં તેણે એક ડેટિંગ એપ પર એકાઉન્ટ બનાવ્યું હતું. જેના ફ્રેન્ડ સજેશનમાં શ્રુતિ શર્માનું એકાઉન્ટ દેખાતા તેને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. તેનું ખરેખર નામ શ્રુતિ શર્મા હતું કે પછી બીજું તેની જાણ નથી. એટલું જ નહીં તે ખરેખર મહિલા હતી કે પુરૂષ તેની પણ જાણ ન હતી.
ઓનલાઈન ફ્રેન્ડ બન્યા બાદ તેની સાથે વાતચીત શરૂ કરી હતી. એક-બીજાનું આર્થિક બેકગ્રાઉન્ડ જાણ્યું હતું. જે દરમિયાન તેણે કહ્યું કે તેની આર્થિક સ્થિતિ ખરાબ છે અને પૈસાની જરૂરિયાત છે. જેથી સામે શ્રુતિ શર્મા નામ ધારણ કરનારે ફોરેક્ષ ટ્રેડીંગમાં સારૂ રિર્ટન મળે છે તેમ કહી તેમાં રોકાણ કરવાનું કહ્યું હતું. તેણે હા પાડતાં ડેટિંગ એપ ઉપર ટેલિગ્રામની લીન્ક મોકલી હતી. એટલું જ નહીં બાદમાં એક એકાઉન્ટ પણ ખોલી આપ્યું હતું. તેની સુચના મુજબ તેણે તેની પેઢી અને મિત્રના બેન્ક એકાઉન્ટમાંથી કટકે-કટકે રૂા. 13.30 લાખ જમા કરાવ્યા હતા. જો કે બાદમાં તેને રકમ પરત નહીં મળતાં અને જે ડેટિંગ એપ ઉપર શ્રુતિ શર્માનું એકાઉન્ટ હતું તે પણ ગાયબ થઈ જતાં છેતરાઈ ગયાનો અહેસાસ થયો હતો. પરિણામે સાયબર ક્રાઈમના હેલ્પ લાઈન નંબર ઉપર ફરિયાદ કરી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.