Get The App

APK ફાઇલ ઓપન કરતાં જ બેન્ક એકાઉન્ટ ખાલી વોટ્સએપ ગૃપમાં આવેલી RTO ચલણની લિન્ક ઓપન કરતા જ રૃપિયા ગુમાવ્યા

નિવૃત્ત બેંક કર્મચારીએ ગૂગલ પર કસ્ટમર કેર નંબર શોધવા જતા બેન્ક એકાઉન્ટમાંથી રૃપિયા ગુમાવવા પડયા

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
APK ફાઇલ ઓપન કરતાં જ બેન્ક એકાઉન્ટ ખાલી  વોટ્સએપ ગૃપમાં આવેલી RTO ચલણની લિન્ક ઓપન કરતા જ રૃપિયા ગુમાવ્યા 1 - image

વડોદરા, તા.19 મોબાઇલમાં આવતી એપીકે ફાઇલ ઓપન નહી કરવા અંગે જનજાગૃતિ છતાં પણ કેટલાંક લોકો આવી ફાઇલ ઓપન કરે છે અને પોતાની બચતના રૃપિયા ગુમાવવાનો વારો આવે છે. નિવૃત્ત બેંક મેનેજર તેમજ વેપારીએ બેંકનો કસ્ટમર કેર નંબર શોધવા તેમજ આરટીઓના મેમાનો દંડ ભરવા જતા પોતાના બેંક એકાઉન્ટમાંથી રૃપિયા ગુમાવવા પડયા છે.

વડોદરાના ગોત્રી-સેવાસીરોડ પર ઇસ્કોન હાર્મનીમાં રહેતા ઇન્ડિયન બેંકના નિવૃત્ત કર્મચારી શ્રીનિવાસન વેકટરામન ઐયર (ઉ.વ.૭૬) બેંકના પોર્ટલ પર ઇન્ડિયન બેંકની ચેન્નાઇની લેટીસ બ્રિજ બ્રાંચનો નંબર શોધતા હતા પરંતુ નહી મળતા આખરે તેમણે ગૂગલ પર સર્ચ કરતા એક નંબર મળેલ અને તે નંબર પર સંપર્ક કરતા નંબર બંધ બતાવતો હતો. થોડા સમયમાં જ લેપટોપ સ્ક્રિન પર પોપઅપ આવ્યું હતું અને તેમાં બી.એમ. શ્રી રાહુલસિંહનો ઉલ્લેખ હતો.

થોડા સમયમાં જ શ્રીનિવાસને રાહુલસિંહને ફોન કરી પોતાની સમસ્યા જણાવી હતી. બાદમાં રાહુલે વોટ્સએપ વીડિયોકોલ કરીને તેણે કસ્ટમર સપોર્ટ એપીકે નામની ફાઇલ મોકલી  હતી અને તેના પર ટચ કરી લિંક ખોલવા જણાવતા શ્રીનિવાસને ટચ કરતા એક ફોર્મ ખૂલ્યું હતું જેથી રાહુલસિંહની સુચના મુજબ ફોર્મ ભર્યુ હતું. દરમિયાન રાહુલે કોઇ જવાબ નહી આપતા શ્રીનિવાસને તું મારી સાથે ચિટીંગ કરે છે તેમ કહેતાં જ તેણે વીડિયોકોલ કટ કરી દીધો હતો અને બાદમાં શ્રીનિવાસનના એકાઉન્ટમાંથી રૃા.૨.૫૫ લાખની રકમ ઉપડી ગઇ હોવાનું જણાયું હતું. આ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ  હતી.

અન્ય બનાવમાં ડભોઇની શ્રીનિવાસ સોસાયટીમાં રહેતા અને દેવલીયા ચોકડી પાસે શ્રી કુબેર ટ્રેડર્સ નામની બિલ્ડિંગ મટિરિયલ્સની દુકાનમાં વેપાર કરતા મનોજ છગનભાઇ પટેલ તા.૬ જુલાઇના રોજ રાત્રે મોબાઇલમાં બજરંગ વોટ્સએપ ગૃપમાં ગોવિંદ પટેલે મોકલેલી આરટીઓ ચલણ નામની એપીકે ફાઇલ રૃા.૫૦૦ ચલણ ઓનલાઇન ભરવા ઓપન કરી હતી. ફાઇલ પર ક્લિક કરતાં જ પૈસા ભરવાનો કોઇ વિકલ્પ જણાયો ન હતો પરંતુ બીજા દિવસે બેંક એકાઉન્ટમાંથી કુલ રૃા.૪.૪૦ લાખ ડેબિટ થયા હોવાનો મેેસેજ આવ્યો હતો. આ અંગે સાયબર હેલ્પલાઇનમાં ફરિયાદ કર્યા બાદ ડભોઇ પોલીસે ગુનો નોંધ્યો હતો.