Gujarat
વડોદરાના મીનાબેન સચાનિયાની સ્થૂળતા વિરુદ્ધની સફળ લડત
By GS TEAM
18 Jun 20251 min read

સ્થૂળતા આજે એક વૈશ્વિક આરોગ્ય પડકાર તરીકે ઊભરી રહી છે, જે માત્ર શારીરિક જ કષ્ટ નથી લાવતી પણ માનસિક અને સામાજિક સ્તરે પણ અનેક પડકાર ઉભા કરે છે. આવા સમયમાં યોગ જીવન બદલવાની શક્તિ ધરાવે છે એનું જીવતું ઉદાહરણ છે વડોદરાના 55 વર્ષીય મીનાબેન સચાનિયા.

મૂળ સૌરાષ્ટ્રના અને અગાઉ ટાટા કેમિકલ્સ, મીઠાપુરમાં ગ્રામ વિકાસ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવનાર મીનાબેન વર્ષ 2007માં વડોદરા સ્થાયી થયા પછી જીવનમાં અનેક ફેરફારોમાંથી પસાર થયા. વ્યવસાય સહિત પરિવારીક જવાબદારીઓ અને જીવનશૈલીમાં થયેલા બદલાવના પરિણામે તેમનું વજન વધી 110 કિલોગ્રામ સુધી પહોંચી ગયું. નબળું શરીર, મનોબળની અછત અને વધતા તણાવભર્યા પળો વચ્ચે એક સમય એવો આવ્યો જ્યારે એમણે પોતાની જાતને બદલી નાખવાનો મક્કમ નિણર્ય લીધો. વર્ષ 2020માં મીનાબેને યોગ સાથે જીવનના નવા અધ્યાયની શરૂઆત કરી. આરંભમાં આસનો કરવામાં તકલીફોનો સામનો કરવો પડ્યો. પગ જોડીને બેસવું મુશ્કેલ હતું, સોફા પરથી ઊભા થવામાં ટેકાની જરૂર પડતી હતી, પણ નિયમિત યોગાભ્યાસ અને મનોબળથી ત્રણ વર્ષમાં મીનાબેને આશરે 30 કિલોગ્રામ વજન ઘટાડ્યું. આજે તેઓ માત્ર શારીરિક રીતે સ્વસ્થ સહિત માનસિક રીતે પણ સ્વસ્થ અનુભવે છે.








