ચાંદીની પાલખીમાં બિરાજમાન થઇ ભગવાન વિઠ્ઠલનાથજી નગરયાત્રાએ નીકળ્યા
૨૧૬ વર્ષ જુની પરંપરા જળવાઇ રહે તે માટે માંડવી ગેટના બેરીકેડ હટાવાયા

વડોદરા : દેવઉઠી અગિયારસ નિમિત્તે આજે શહેરમાં પરંપરાગત ભગવાન વિઠ્ઠલનાથજીનો ૨૧૬મો વરઘોડો નીકળ્યો હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તો સામેલ થયા હતા. હાલ માંડવી ગેટના રિસ્ટોરેશનની કામગીરી ચાલી રહી હોવાના કારણે ભગવાનની પાલખી ગેટ નીચેથી પસાર કરવાનું મુશ્કેલ હતું પરંતુ વર્ષો જુની પરંપરા જળવાઇ રહે તે માટે મ્યુ.કોર્પોરેશને બેરીકેડ હટાવતા ગેટ નીચેથી ભગવાનની પાલખી પસાર થતાં ભક્તોમાં ખુબ જ આનંદની લાગણી પ્રસરી હતી.
મંદિરમાં વહેલી સવારે ત્રણ વાગે મંગળા આરતી થયા બાદ સવારે સાત
વાગે શ્રૃંગાર આરતી, ૮ વાગે રાજભોગ આરતી કરવામાં આવી હતી અને ત્યાર
બાદ નવ વાગે ચાંદીની પાલખીમાં બિરાજમાન ભગવાનના વરઘોડાએ પ્રસ્થાન કર્યું હતું. આ
પ્રસંગે રાજમાતા પણ હાજર રહ્યાં હતા. ભગવાનનો વરઘોડો રાજમાર્ગો પરથી પસાર થતા
હજારો ભક્તા ે દર્શન કરવા માટે ઉમટી પડયાં હતા અને વરઘોડો બપોરે બે વાગે ગહીનેશ્વર
મહાદેવ પહોંચ્યો હતો અને ે સાંજે ફરી નિજ મંદિરે પરત આવ્યો હતો.
વરસાદી વાતાવરણ વચ્ચે વરઘોડો પસાર થતાં ભક્તોના વિટ્વલ વિઠ્ઠલ
વિઠ્ઠલાના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયું હતું. ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડા
ઉપરાંત સાંજે ભગવાન રામજીનો ૧૯૮મો વરઘોડો અને રણછોડરાયજીનો ૧૮૦મી વરઘોડો પસાર
થવાનો હોઇ સમગ્ર ચાર દરવાજા વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આજે ત્રણે વરઘોડાને માંડવી ગેટ નીચેથી પસાર કરવાની પરંપરા જાળવવામાં આવી હતી.
રાત્રે ચાંદલા વિધિ તેમજ તુલસી વિવાહ યોજાયા હતા અને તેમાં હજારોની સંખ્યામાં
ભક્તો સામેલ થયા હતા.
(બોક્સ)
રણછોડજીના વરઘોડામાં તોપ ફોડવાની પરંપરા આ વર્ષે પણ તૂટી
એમ.જી.રોડ પર આવેલા ભગવાન રણછોડરાયજીના મંદિરમાંથી પણ આજે
ભગવાનનો ૧૮૦મો વરઘોડો રાત્રે નીકળવાનો હોવાથી મંદિર સંચાલકોએ વરઘોડા પહેલા તોપ
ફોડવા માટેની પરંપરા જળવાઇ રહે તે માટે સરકારી તંત્ર તેમજ રાજકીય નેતાઓ સમક્ષ
રજૂઆત કરી હતી પરંતુ આ વર્ષે પણ તોપ ફોડવાની પરંપરા જાળવી શકાઇ ન હતી.
ઉલ્લેખનીય છે કે, ૧૯૯૫માં તોપ ફોડવામાં આવી તે સમયે તીખારા ઉડતા
બે લોકોને સામાન્ય ઇંજા થતાં પ્રશાસને તોપ ફોડવાની પરંપરા પર પ્રતિબંધ ફરમાવ્યો
છેે. પ્રશાસનના આદેશ સામે મંદિરના જનાર્દન દવે કાનુની લડત લડી રહ્યાં છે. તેઓ
પગમાં ચપ્પલ પણ પહેરતા નથી. હાલ આ મામલો કોર્ટમાં છે અને કોર્ટના આદેશ સામે રિવિઝન
અરજી કરવામાં આવી હોવાથી આજે પણ તોપ ફોડવાની પરંપરા જળવાઇ ન હતી.

