ધોરાજીના સુપેડીમાં આવેલા મુરલીમનોહર મંદિરમાં લલિત ત્રિભંગી મુદ્રામાં બિરાજતાં ભગવાન શ્રીકૃષ્ણ
(IMAGE - fb/shreemorlimanohartemplesupedi) |
Murali Manohar Temple: મુરલી મનોહર મોહન મુરારી.. હર એક રૂપ મેં તેરી લીલા ન્યારી..આ પંક્તિ શ્રીકૃષ્ણના અદભુત સ્વરૂપોનું વર્ણન કરે છે. તેમના જીવનની દરેક લીલા અનોખી અને મનોરમ છે. માખણચોરી હોય, રાસલીલા હોય કે હોળીખેલ હોય, દરેક લીલા વખતે શ્રીકૃષ્ણ પાસે બંસરી અવશ્ય હોય. વેણુનાદ કરતા બંસીધર શ્રીકૃષ્ણનું સુંદર સ્વરૂપ સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પર બિરાજમાન છે, મુરલી મનોહર મંદિરમાં... રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં ઉતાવળી નદીના કિનારે આવેલું આ પ્રાચીન મંદિર હજારો વર્ષોથી ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે.
મંદિરની દિવાલો પર કોતરેલી શિલ્પકૃતિઓ અદભૂત કારીગરીનો પુરાવો
વર્ષ 1956માં સૌરાષ્ટ્ર સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત મુરલી મનોહર મંદિરને રાજ્ય રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું. હાલમાં ગુજરાત સરકારના પુરાતત્વ ખાતાં હેઠળ આ મંદિરનું સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ મંદિરની કોતરણી, બાંધકામ અને ગુંબજમાં નાગર અને રાજસ્થાની શૈલીના જૂના સ્થાપત્યની ઝલક જોવા મળે છે. આ મંદિરની દિવાલો પર કોતરેલી શિલ્પકૃતિઓ કલાકારોની અદભૂત કારીગરીનો પુરાવો આપે છે.
આ મંદિરમાં ભગવાન કૃષ્ણ ત્રણ સ્વરૂપો બિરાજમાન
આ મંદિરના ગર્ભગૃહમાં મુખ્ય ત્રણ સ્વરૂપો બિરાજમાન છે. લલિત ત્રિભંગી મુદ્રામાં મુરલી મનોહર એટલે કે શ્રીકૃષ્ણ બિરાજે છે. તેમજ લક્ષ્મીજી સંગે શ્રીવિષ્ણુ બિરાજી રહ્યાં છે. અહીં બાળગોપાલના પણ દર્શન કરી શકાય છે. નિજ મંદિરમાં શ્રીવિષ્ણુના વાહન ગરુડદેવ પણ બિરાજમાન છે. આ મંદિરમાં હાર અને હર,એટલેકેશ્રીવિષ્ણુ અને શિવજી બંને બિરાજમાન છે. અહીં મુખ્ય મંદિર ઉપરાંત રામદરબાર, શીતળા માતા સહિત કુલ નવ દેવસ્થાનો છે. આ મંદિરની બાજુમાં ઉતાવળી નદી વહે છે અને તેની સાથે ધારુડી અને જાંજમેરી નદીઓનો નયનરમ્ય ત્રિવેણીસંગમ રચાય છે.
આ મંદિરમાં પુષ્ટિમાર્ગની પ્રણાલી અનુસરવામાં આવે છે
મુરલી મનોહર મંદિરના પૂજારી શ્રી બાલા બાપુ કહે છે કે, મુરલી મનોહર ટ્રસ્ટ, સૂપેડી દ્વારા રાજ્ય સરકારના સહયોગ અને ગુરૂગાદી પરંપરાથી આ મંદિરનું સંચાલન થાય છે. અહીં સ્વયં ભગવાન મુરલીમનોહર વાંગમય સ્વરૂપમાં બિરાજે છે. પુષ્ટિમાર્ગની પ્રણાલી પ્રમાણે મંગળાથી લઈને શયન સુધી પ્રભુના આઠ સમાના દર્શન થાય છે.
આ ઐતિહાસિક અને પૌરાણિક મંદિરની મુલાકાત લેવા જેવી ખરી!
આ મંદિરમાં બંને સમય ચાલતા અન્નક્ષેત્રમાં દરરોજ અંદાજે 200 થી 300 દર્શનાથીઓ પ્રસાદ લેછે. આ મંદિર પર દર પૂનમે 10 ધ્વજા ચડાવવામાં આવે છે અને સત્યનારાયણની કથા થાય છે. શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વે છપ્પન ભોગ, રાજભોગ, ધ્વજારોહણ, રાત્રિ મહાઆરતી, નંદોચ્છવ સહિત 11 મનોરથ ઉજવાય છે. આ દિવસે ત્રણેક હજાર જેટલા ભાવિકો ફરાળ લે છે. પર્યટન એ પ્રકૃતિના સૌંદર્યનો આનંદ માણવાની સાથેસાથે દેશની સંસ્કૃતિ, ઈતિહાસ અને પરંપરાઓને સમજવાનો અને જાણવાનો શ્રેષ્ઠ માર્ગ છે. ત્યારે રાજ્ય સરકાર પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસની સાથે ઉત્સવોને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદી માહોલ, 19 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, અમદાવાદમાં ધોધમાર
ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે થયેલા વિકાસના લીધે ધોરડોના રણોત્સવથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી,અનેક સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જે પૈકી એક મુરલીમનોહર મંદિર પણ છે. ત્યારે જન્માષ્ટમી નિમિત્તે આ ઐતિહાસિક અને પૌરાણિક મંદિરની મુલાકાત લેવા જેવી ખરી!
મુરલી મનોહર મંદિર: મિનિ દ્વારકા
મુરલીમનોહરમંદિર અને જગતમંદિર વચ્ચે ત્રણ સામ્યતાઓ છે. તેથી, આ મંદિરને 'મિનિદ્વારકા' તરીકે ઓળખવામાં આવે છે. પહેલી સમાનતા છે કે, દેવભૂમિદ્વારકા મંદિરમાં જેમ 52(બાવન) પગથિયાં ઉતરીને ગોમતી નદીના ઘાટે જવાય છે, તેમ અહીં પણ ઉતાવળી નદીના કિનારે 52(બાવન) દાદરા છે.
બીજી સમાનતા છે કે, જગત મંદિર દ્વારકાની જેમ આ મંદિર પર પણ નિત્ય 52(બાવન) ગજની ધ્વજા ચડાવવામાં આવે છે, જે ભક્તોની આસ્થાનું પ્રતીક છે.
જ્યારે ત્રીજી સમાનતા છે કે, સામાન્ય રીતે, પૂર્વ દિશામાં મંદિરના દ્વાર હોય છે પરંતુ અહીં, દ્વારકા મંદિર, ડાકોર મંદિર અને સુપેડી મંદિરના દ્વાર અને ઠાકોરજીના સ્વરૂપોના મુખારવિંદ એક જ દિશા એટલે કે પશ્ચિમ દિશામાં છે.