Gujarat

સ્માર્ટ સિટી વહીવટી તંત્રમાં પણ છીંડા, અમદાવાદ મ્યુનિ.ના બગીચામાં કયાંક CCTV,કયાંક રાતે લાઈટો પણ બંધ

By GS TEAM
9 Sep 20252 mins read
સ્માર્ટ સિટી વહીવટી તંત્રમાં પણ છીંડા, અમદાવાદ મ્યુનિ.ના બગીચામાં કયાંક CCTV,કયાંક રાતે લાઈટો  પણ બંધ

અમદાવાદ,સોમવાર,8 સપ્ટેમબર,2025

વાર્ષિક રુપિયા ૧૫ હજાર કરોડથી વધુનુ બજેટ ધરાવતા સ્માર્ટ સિટી વહીવટી તંત્રમાં છીંડા જોવા મળ્યા છે.અમદાવાદના વિવિધ વોર્ડ વિસ્તારમાં નાના અને મોટા મળી ૨૮૫ જેટલા બગીચા આવેલા છે. આ પૈકી ઘણાં બગીચામાં સી.સી.ટી.વી.કેમેરા બંધ છે.તો ઘણાં બગીચામાં સી.સી.ટી.વી,કેમેરા લાગેલા નથી.આ અંગે બે મહીના પહેલા કોર્પોરેશનના ઈ-ગવર્નન્સ વિભાગને લેખિતમાં જાણ કરાઈ હતી.શહેરના બગીચાઓની બીજી કરુણતા એ છે કે,જે બગીચામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વીજપોલમાંથી છેડા જોડાયેલા હોય છે તેવા ભાગમાં આખી રાત લાઈટ ચાલુ રહે છે. બગીચાના બાકીના ભાગમાં  રાતના દસ કલાક પછી લાઈટો બંધ થતા અંધારપટ છવાઈ જાય છે. એમ રિક્રીએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ કહયુ છે.

શહેરના ૪૮ વોર્ડના વિવિધ વિસ્તારમાં આવેલા કોર્પોરેશન હસ્તકના બગીચા પૈકી મોટાભાગના બગીચા ૨૪ વર્ષથી ઓપરેશન અને મેઈન્ટેનન્સ કરવાની શરત સાથે એક સહકારી સંસ્થાને આપવામા આવેલા છે.સ્વાભાવિક જ બગીચાઓમાં લાઈટ  અને સિકયુરીટી સહીતની વ્યવસ્થા પણ  એમ.ઓ.યુ.મુજબ તેમણે જ કરવાની રહે છે.સોમવારે મળેલી રિક્રીએશન કમિટીની બેઠકમાં બાપુનગરમાં આવેલા આંબેડકરનગર ગાર્ડનમાં અસામાજિક તત્વોનો ત્રાસ હોવાની ભાજપના કોર્પોરેટરે રજૂઆત કરી હતી.શહેરના અન્ય વિસ્તારમાં આ પ્રકારનો ત્રાસ હોય તેવા બગીચાઓનો સર્વે કરી એવા બગીચાઓમાં ફેન્સીંગ ઉપર રાઉન્ડ ચેનલીંગ કરવા બગીચા વિભાગને સુચના આપવામા આવી હતી.નોંધપાત્ર બાબત એ છે કે, રિક્રીએશન કમિટીના ચેરમેન પોતે કહે છે કે, બે મહીના પહેલા કયા બગીચામાં સી.સી.ટી.વી.કેમેરા બંધ છે. કયા-કયા બગીચામા સી.સી.ટી.વી. કેમેરા લગાવાયા જ નથી એની યાદી આપવામા આવી હતી.બગીચા વિભાગને  આ અંગે અપડેટ આપવા પણ કહેવામાં આવ્યુ હતુ.

સી.સી.ટી.વી.કેમેરા બંધ,લાઈટો બંધ કોઈ ઘટના બને તો જવાબદારી કોની?

શહેરના બગીચાઓની સ્થિતિ અંગે રિક્રીએશન કમિટી ચેરમેને જ ઘટસ્ફોટ કર્યો છે.ઘણાં બગીચાઓમાં સી.સી.ટી.વી.કેમેરા બંધ હાલતમાં છે,તો જયાં કેમેરા ચાલુ છે ત્યાં રાતના સમયે લાઈટો અમુક જ ભાગમા ચાલુ હોય છે. આ પરિસ્થિતિમા કોઈ ઘટના બને તો જવાબદારી કોનીસી.સી.ટી.વી.કેમેરા ચાલુ હોય પણ  એ બગીચામા લાઈટ બંધ હોય તો સી.સી.ટી.વી. ફુટેજ પણ ના મળી શકે. આ કારણથી  તમામ બગીચાઓમાં રાતના સમયે લાઈટ ચાલુ રાખવા અંગે ચોકકસ નિતી બનાવાશે એમ ચેરમેનનુ કહેવુ છે.