સુરેન્દ્રનગરમાં રાંધણ ગેસની એજન્સીઓ બહાર ગ્રાહકોની લાંબી કતારો લાગી

- તંત્રની અપીલ પરંતુ અનિશ્ચિતતાના માહોલથી લોકોમાં ભય
- કોમશયલ ગેસની સપ્લાય અટકાવતા હોટલ સંચાલકો બળતણ માટે કોલસો-લાકડા વાપરવા મજબૂર બન્યા
સુરેન્દ્રનગર : અમેરીકા-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધની સીધી અસર હવે ગૃહિણીઓના રસોડા સુધી પહોંચી છે. દરિયાઈ માર્ગે ગેસ સપ્લાય કરતી સ્ટીમબરો અટકી જતાં વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે. હાલમાં ગેસ નોંધણી કરાવ્યાના ૨૫ દિવસ બાદ સિલિન્ડર મળશે તેવો નિર્ણય લેવાતા ગ્રાહકોમાં ફાળ પડી છે.
સૌથી વધુ માઠી અસર કોમશયલ ગેસ પર પડી છે, છેલ્લા ૧૦ દિવસથી એક પણ ડેપો પર કોમશયલ સિલિન્ડરની ફાળવણી ન થતા નાના રેસ્ટોરન્ટ, ખાણીપીણીની લારીઓ અને સોની બજારના કામદારોના ધંધા ઠપ થયા છે. પરિણામે, હોટલ સંચાલકો હવે ન છૂટકે લાકડા અને કોલસાનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે.
બીજી તરફ, વહીવટી તંત્ર પૂરતો સ્ટોક હોવાનો દાવો કરી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. ટેલિફોનિક બુકિંગ બંધ થઈ જતાં લોકોએ વહેલી સવારથી એજન્સીઓ બહાર લાઈનો લગાવવી પડે છે. કલાકોના પ્રતીક્ષા બાદ જ્યારે વારો આવે ત્યારે સર્વર ડાઉન હોવાને કારણે ઓટીપી જનરેટ ન થતા લોકોની ધીરજ ખૂટી રહી છે. તંત્ર દ્વારા સંગ્રહખોરી રોકવા તપાસના આદેશો અપાયા છે, પરંતુ મૂળ પ્રશ્ન વિતરણ અને ઓનલાઈન નોંધણીનો છે. તંત્રની અપીલ છતાં, અનિશ્ચિતતાના માહોલમાં લોકો સવારથી સાંજ સુધી ગેસ એજન્સીઓના ધક્કા ખાઈ રહ્યા છે.








