હળવદમાં આવક, જાતિ સહિતના દાખલા માટે લાંબી કતાર લાગી
બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ સ્કૂલ-કોલેજમાં પ્રવેશ શરૃ થતાં
ગરમી અને બફારા વચ્ચે કલાકો સુધી નંબર આવતો નથી ઃ દરરોજ ૧૦૦ જેટલા જ દાખલા કાઢતા હોવાનો અરદારનો દાવો
સુરેન્દ્રનગર- બોર્ડની ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ હવે શાળા-કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૃ થઇ ગઇ છે. ફોર્મ ભરવાની છેલ્લા તારીખ નજીક હોવાથી વાલીઓએ વિવિધ દાખલા કઢાવવા માટે દોટ મૂકી છે. આ માટે હળવદ મામલતદારની કચેરી પર સવારથી જ વાલીઓએ લાઇન લગાવી દીધી હતી. એક દાખલો લેવા વાલીઓએ ૪થી પાંચ કલાક સુધી તાપમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો. ઘણા વાલીઓ નોકરી ધંધો છોડીને લાઇનમાં ઉભા રહેવું પડયું હતું.
હળવદ મામલતદાર કચેરીમાં વિવિધ દાખલા માટે હાલમાં કચેરીમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. બોર્ડની ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ હવે શાળા-કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૃ થઇ ગઇ છે. જેમાં જાતિના, આવકના, ક્રિમિલિયર સર્ટિફિકેટ, ઈડબ્લ્યુએસ સહિતના દાખલાની જરૃર પડત તેને કઢાવવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ લાંબી કતારમાં ઉભા રહેવા મજબુર બન્યા છે. જાતિના વાલીઓ સવારથી કતારમાં ઉભા રહે છે. ઘણાના રોજ પણ કપાઈ રહ્યાં છે.
દાખલા કઢાવવા માટેની ત્રણ-ત્રણ બારીઓ છે પરંતુ અંદર એક જ ઓપરેટર હોવાથી લાંબી કતારો લાગે છે એવો અરજદારો દાવો કરી રહ્યાં છે. બીજી તરફ દરરોજ ૧૦૦થી વધુ દાખલા કાઢી આપવામાં આવતો હોવાનો કચેરી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહેલા લોકોમાં આક્રોેશ જોવા મળી રહ્યો છે. લોકો કહી રહ્યાં છે કે, આટલી ગરમી અને બફારા વચ્ચે કલાકો સુધી નંબર આવતો નથી, વિદ્યાર્થીઓના હિતમાં સ્ટાફ વધારવો જોઈએ. આવકનો દાખલો સરળતાથી મળી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ.