દેવ દિવાળીએ નરસિંહજી ભગવાનને સાક્ષાત ચાંદલો કરવા ભક્તજનોની લાંબી કતાર

Vadodara : આજે દેવ દિવાળીના પાવન પર્વએ ભગવાન નરસિંહજીના 288મા શુભ લગ્ન પ્રસંગનો વરઘોડો સમી સાંજે નરસિંહજીની પોળમાંથી પ્રસ્થાન થશે. પ્રભુને સાક્ષાત ચાંદલો કરવા આજે વહેલી સવારથી જ ભક્તજનોની લાંબી લાઈન લાગી હતી. હજારો ભક્તો પ્રભુને સાક્ષાત ચાંદલો કરીને આજે ધન્ય બન્યા હતા. લોખંડી પોલીસ બંદોબસ્ત અને સંવેદનશીલ વિસ્તારો આસપાસ લગાવાયેલી પતરાની આડશ તથા વિવિધ ટેકનોલોજીના સહારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સમગ્ર વરઘોડાના રૂટને સ્વચ્છ- સુઘડ કરી રોશનીથી શણગારવામાં આવ્યો છે. તુલસી વાડી ખાતે પ્રભુનો વરઘોડો ધામધૂમથી પહોંચ્યા બાદ તુલસીજી સાથે ભવ્ય લગ્ન સમારોહ મોડી રાત સુધી ચાલશે. ત્યારબાદ તુલસીજી સાથે પ્રભુ નીજ મંદિર પધારશે.
આજે દેવ દિવાળી કાર્તિકી પૂનમના પાવન પ્રસંગે ભગવાન નરસિંહજીના તુલસીજી સાથે ધામધૂમથી લગ્ન યોજાશે. આ પ્રસંગે નરસિંહજીનું મંદિર રોશનીથી શણગાર આયુ છે અને રંગ રોગાન પણ કરાયો છે. પ્રભુને સ્વયં સાક્ષાત ચાંદલો કરવા ભક્તજનો આજે વહેલી સવારથી મંદિરે ઉમટી પડ્યા હતા. લાંબી લાઈનોમાં ઊભા રહેલા ભક્તજનો બપોર સુધી પ્રભુને ચાંદલો કરીને ધન્ય થશે.
ત્યારબાદ વરઘોડાની તમામ તૈયારીઓ શરૂ થશે અને બપોર બાદ નિયત સમયે નરસિંહજીના મંદિરેથી વરઘોડાનું ધામધૂમથી પ્રસ્થાન થશે. ભગવાનની પાલખી આગળ બેન્ડવાજાની ભક્તિ સભર ધૂન, બંસરી વાદકો દ્વારા સંગીતના સૂરો રેલાવશે. આ ઉપરાંત વિવિધ વેશભૂષામાં સજ્જ નાના બાળકો વરઘોડાનું વિશેષ આકર્ષણ બની રહેશે. પોલીસના લોખંડી બંદોબસ્ત સહિત સંવેદનશીલ વિસ્તારમાં પતરાની આડસો સલામતીના કારણોસર લગાવાઇ છે. તેમજ હાઈ રાઈઝ પોઈન્ટ પણ ગોઠવાયા છે. આ ઉપરાંત વરઘોડાની આગળ પાછળ તથા તેના રૂટ પર ડ્રોન પણ વિશેષ બાજ નજર રાખશે. વરઘોડા આગળ ફટાકડાના ધૂમ ધડાકા પણ સતત થતા રહેશે. પ્રભુના નીજ મંદિરમાં નિત્ય પૂજા અર્ચન ભક્તિ કરીને પ્રભુને ભોગ ધરાવવાની પ્રથા પણ અકબંધ રીતે જળવાશે.
નિયત સમયે પ્રભુનો વરઘોડો તુલસી વાડીએ પહોંચતા જ ભવ્ય સ્વાગત કરાશે. વૈદિક મંત્રોચ્ચાર સહિત ભૂદેવો દ્વારા તમામ લગ્ન વિધિ કરાવાશે. આ ઉપરાંત પ્રભુના પરંપરાગત રીતે ઓવારણા પણ લેવાશે. તમામ લગ્ન વિધિ સંપન્ન થયા બાદ તુલસીજી સાથે પ્રભુ નીજ મંદિરે વાજતે ગાજતે પુન: પધારશે. જ્યાં નિજ મંદિરે પણ પ્રભુનું તુલસીજી સાથે ભવ્ય સ્વાગત કરાશે.

