સુરતની ખાડીમાં પૂર અટકાવવા લાબા અને ટૂંકા ગાળાના આયોજન : સર્વે કરવા આદેશ
Surat : સુરતમાંથી પસાર થતી ખાડીમાં પૂર અટકાવવા માટે હાઈલેવલ કમિટી બનાવી છે. આ કમિટિએ લાંબા અને ટૂંકા ગાળાના આયોજન માટે કામગીરી શરૂ કરી દીધી છે. આ કમિટીના અધ્યક્ષ તરીકે સુરત પાલિકા કમિશ્નરની નિમણૂંક બાદ કામગીરી ઘણી જ ઝડપી બની છે. સિંચાઈ વિભાગ વર્ષો ખાડીમાં દબાણ દુર કરી શકી ન હતી તે કામગીરી પાલિકાએ બે દિવસમાં જ શરુ કરી દીધી છે. આજે સતત બીજા દિવસે પણ ખાડીના પાણીને અવરોધરૂપ કલવર્ટ દુર કરવાની કામગીરી કરી હતી. સાથે સાથે લાંબા અને ટુંકા ગાળાના આયોજન માટે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સુરતમાંથી પસાર થતી ખાડી ચોમાસા દરમિયાન સુરત માટે આફત બની જાય છે જિલ્લામાં વરસાદ પડે અને સુરતમાં વરસાદ ન હોય તો પણ ખાડી પુર આવે છે. આ પૂર અટકાવવા માટે કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં ખાડી પૂર નિવારણ સમિતિની રચના કરવામાં આવી હતી. જેના અધ્યક્ષ પાલિકા કમિશનર શાલિની અગ્રવાલની નિમણૂક થયાં બાદ આખી કમિટી એક્શનમાં આવી ગઈ હતી. પાલિકાએ વહેણને અવરોધ કરનારા સ્ટ્રકચર દુર કરવા સાથે પુર અટકાવવા માટે લાંબા અને ટુંકા ગાળાના આયોજન હાથ ધર્યા છે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, પૂર અટકાવવા માટે પહેલા તબક્કામાં ખાડીના વહેણને અટકાવતા જે અવરોધ જેવા કે સ્ટ્રકચર, મંજુરી વિના બનેલા નાના બ્રિજ, કલવર્ટ સહિતના દબાણ અને સિલ્ટિંગ છે તેને દૂર કરીને વહેણનો પ્રવાહ સામાન્ય બને તે માટે કામગીરી શરુ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત ભૂતકાળમાં પાલિકા કે સુડા દ્વારા કોઈ બ્રિજ બનાવ્યા હોય તે બ્રિજ નીચે કોંક્રીટના સ્ટ્રકચર રહી ગયા હોય તેને શોધીને દૂર કરવામાં આવશે. આ કામગીરી સાથે ખાડીના પ્રવાહને કઈ રીતે રીઅલાઈન કરી વધારી શકાય તે માટે કામ કરવામાં આવી રહ્યું છે. જે કાચી ખાડી છે તેના વાઈડનીંગની કામગીરી કરવામાં આવી રહી છે તનો સર્વે કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
સુરત શહેરમાંથી ખાડી પસાર થાય છે તેમાં ખાડીના પાણીને અવરોધ કરતા સ્ટ્રકચર દુર કરવાની કામગીરી સુરત પાલિકા કરશે. જ્યારે સુરત પાલિકા હદ વિસ્તાર બહાર ખાડીમાંથી દબાણ દુર કરવાની કામગીરી સિંચાઈ વિભાગ કરશે.
ડ્રોન સર્વે સાથે ફીઝીકલ સર્વેની કામગીરી પણ કરાશે
સુરતીઓ માટે ચોમાસામાં પૂરની આફત લઈને આવતી ખાડીના પૂર રોકવા માટે કમિટી બનાવવામા આવી છે. હાઈલેવલ કમિટી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે તેમાં ડ્રોન અને ફીજીકલ સર્વે માટેની સૂચના આપી દેવામા આવી છે.
હાઈ પાવર કમિટિએ ખાડી પૂર રોકવા માટે ખાડીના દેખીતા અવરોધોનો 10 દિવસમાં સર્વે કરી રિપોર્ટ સબમિટ કરવા સિંચાઈને પાલિકા કમિશનરે આપી દીધી છે. સુરત પાલિકા વિસ્તાર જ્યાં લાગે છે ત્યાં પાલિકા વિસ્તાર કામગીરી કરશે જ્યારે સુરત પાલિકા હદ વિસ્તાર બહારના વિસ્તારમાં સર્વેની કામગીરી સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ સર્વેમાં એક સર્વે ડ્રોન દ્વારા જ્યારે બીજો ફીઝીકલ સર્વે કરવામાં આવશે. સર્વે બાદ કમિટીમાં રિપોર્ટ સબમિટ થશે અને ત્યારબાદ આગળ કામગીરી માટે આયોજન કરાશે.