Get The App

ગળતેશ્વરના અંબાવ ગામમાં બે મકાનના તાળા તૂટયા

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
ગળતેશ્વરના અંબાવ ગામમાં બે મકાનના તાળા તૂટયા 1 - image

- પીપમાંથી તસ્કરો નવા ધાબળાં ઓઢવા લઈ ગયા

- એક મકાનમાં ઈન્ટરલોક ના ખૂલ્યું, સામેના મકાનમાંથી 4,500 રોકડ, દાગીનાની ચોરી

ઠાસરા : ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામમાં બે બંધ મકાનના તાળા તૂટયા હતા. એક મકાનનું ઈન્ટરલોક ન તૂટતા ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. સામેના ઘરમાંથી રોકડ, દાગીનાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા.

ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામમાં ગ્રામ પંચાયત પાસે આવેલી દૂધ મંડળીની નજીક નડિયાદ ખાતે રહેતા કૈલાશબેન ગીરીશભાઈ પટેલનું ઘર આવેલું છે. તેમના બંધ મકાનના પ્રવેશ દ્વારનું તાળું તોડી તસ્કરો કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા હતા. મુખ્ય દરવાજાનું ઈન્ટરલોક ના ખૂલતા ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. તસ્કરોએ કૈલાશબેનના સામેના ઘરને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. પરિવાર સાથે સુરત રહેતા ઘર માલિક વિમલકુમાર અરવિંદભાઈ વાળંદને ઘરમાં ચોરી થયાની જાણ કરાતા બપોરે અંબાવ આવી પહોંચ્યા હતા. ઘરમાં તપાસ કરતા હેન્ડ બેગમાં મૂકેલા ૪,૫૦૦ રોકડા, બે જોડી ચાંદીના છડા, ચાંદીનો ઝૂડો, બે ચાંદીની લક્કીની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. પીપમાં મુકેલા નવા ત્રણ ધાબળાં તસ્કરો ઠંડીમાં ઓઢવા લઈ ગયા હતા. રસોડામાં તોડફોડ કરવા સાથે રૂમમાં સામાન વેરણછેરણ કરી નાખ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.