ચિલોડાની શુભ-લાભ આવાસમાં એક જ રાતમાં ચાર મકાનના તાળા તૂટયા
ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ યથાવત
સોના ચાંદીના દાગીના અને બાઇક મળી ૧.૮૩ લાખ રૃપિયાની મત્તા ચોરીને તસ્કરો ફરાર થઈ ગયા
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડામાં શુભ લાભ આવાસ યોજનામાં ગઈ રાત્રીએ તસ્કરો ત્રાટકયા હતા અને એક પછી એક એમ બંધ મકાનોને નિશાન બનાવીને તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી લીધી હતી જ્યારે અન્ય એક મકાન બહારથી બાઈક પણ ચોરીને ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે ચિલોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી
રહી છે ત્યારે શહેર નજીક આવેલા ચિલોડાની શુભ લાભ આવાસ યોજનામાં એક સાથે ત્રણ બંધ
મકાનોના તાળા તોડીને તેમાંથી રોકડ રકમ અને દાગીનાની ચોરીની ઘટના બનવા પામી છે. જે
સંદર્ભે આ વસાહત માં રહેતા લાલાભાઇ કનુભાઈ બારોટ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી
હતી કે, તે
તેમનું મકાન બંધ કરીને છોટાઉદેપુર જેતપુર ખાતે તેમની સાસરીમાં ગયા હતા તે દરમિયાન
તેમની વસાહતમાં રહેતા પાડોશીએ ફોન કરીને જાણ કરી હતી કે, તમારા ઘરનું
તાળું તૂટેલું છે. જેના પગલે તેઓ ઘરે આવી ગયા હતા અને ઘરે આવીને જોતા તેમના ઘરનો
સામાન વેરવિખેર હાલતમાં હતો અને તેમાંથી સોના ચાંદીના દાગીના રોકડ રકમ તેમજ અન્ય
ચીજ વસ્તુ મળીને ૧.૦૭ લાખ રૃપિયાની ચોરી થઈ હતી જ્યારે તપાસ કરતા જાણવા મળ્યું
હતું કે તેમની જ વસાહતમાં રહેતા નિમેષ અશ્વિનભાઈ ક્રિશ્વિયનના બંધ મકાનનું પણ
તાળું તૂટયું હતું અને તેમાંથી ૭,૦૦૦ની
મત્તાની ચોરી થઈ હતી જ્યારે આ જ વસાહતમાં રહેતા શ્રવણકુમાર અય્યપન આદિદ્રવિડના બંધ
મકાનનું પણ તાળું તોડીને તસ્કરો તેમાંથી ચાંદીના સિક્કા અને ૩૦૦૦૦ રૃપિયાની મત્તા
ચોરી ગયા હતા. અન્ય એક મકાનનું તાળો તૂટયું હતું પરંતુ તેમાંથી કોઈ ચીજ વસ્તુ ચોરી
જવામાં તસ્કરો સફળ રહ્યા ન હતા. જ્યારે આ વસાહતમાં રહેતા વિનોદકુમારનું બાઈક પણ
ચોરી લેવામાં આવ્યું હતું. જેથી આ સંદર્ભે હાલ ચિલોડા પોલીસ દ્વારા ગુનો દાખલ
કરીને ફરાર થઈ ગયેલા તસ્કરોને શોધખોળ શરૃ કરવામાં આવી છે.