ગેરેજની બંધ દુકાનના તાળાં તૂટયા ૧.૭૫ લાખના સામાનની ચોરી
ગાંધીનગર નજીક વાવોલ ઉવારસદ માર્ગ ઉપર
બે દિવસ દુકાન બંધ હતી તે દરમિયાન તસ્કરો દ્વારા હાથફેરો ઃ અડાલજ પોલીસની વધુ તપાસ
પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ
વધી રહી છે ત્યારે હવે દુકાનોને પણ તસ્કરો નિશાન બનાવી રહ્યા છે. આ સ્થિતિમાં
વાવોલ ઉવારસદ માર્ગ ઉપર વધુ એક દુકાનમાંથી ચોરીની ઘટના બહાર આવી છે. આ સંદર્ભે
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના શેલા ખાતે રહેતા અને ઉવારસદમાં
પેટ્રોલ પંપની સામે ગેરેજ ચલાવતા વિશાલ અનિલ કુમાર શાહ દ્વારા ફરિયાદ નોંધાવવામાં
આવી હતી કે, ગત ૧૬
ઓગસ્ટના રોજ સાંજના સમયે તેઓ તેમની દુકાન બંધ કરીને ગયા હતા અને રવિવારે રજા
હોવાથી ગઈકાલે સવારના સમયે તેમના કારીગર ઝાકીરભાઇનો ફોન આવ્યો હતો અને તેમણે જાણ
કરી હતી કે, દુકાનના
બંને શટરના તાળા તૂટેલી હાલતમાં છે અને અંદર ચોરી થઈ હોય તેમ લાગી રહ્યું છે. જેના
પગલે તેઓ તુરંત જ દુકાન ઉપર પહોંચ્યા હતા અને તપાસ કરતા અલગ અલગ પાર્ટ્સ અને ચીજ
વસ્તુઓ મળી ૧.૭૫ લાખ રૃપિયાની કિંમતના સામાનની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું.
જેથી આ સંદર્ભે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને
ચોરીનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા તસ્કરોને શોધવા માટે દોડધામ શરૃ કરી હતી.