Gujarat

મહુધાના નિઝામપુરા ગામે સામૂહિક શૌચાલયને તાળાં

By GS TEAM
26 Mar 20261 min read
મહુધાના નિઝામપુરા ગામે સામૂહિક શૌચાલયને તાળાં

- તંત્રની બેદરકારીને કારણે હાલાકી

- સરકારી નાણાંનો ધુમાડો, ગ્રામજનોને જાહેરમાં શૌચ કરવાની નોબત આવી 

ડાકોર : મહુધા તાલુકાના નિઝામપુરા ગામે સરકારી ગ્રાન્ટમાંથી પ્રજાની સુવિધા માટે બનાવેલું સામૂહિક શૌચાલય વહીવટી તંત્રની બેદરકારીને કારણે શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યું છે. અંદાજે બે લાખ રૂપિયાના ખર્ચે બનેલા આ શૌચાલયોને તાળાં મારી દેવામાં આવતા ગ્રામજનોને સુવિધાના અભાવે જાહેરમાં શૌચ કરવાની નોબત આવી છે.

નિઝામપુરા ગામે તાલુકા પંચાયત કચેરી દ્વારા નાણાપંચની ગ્રાન્ટમાંથી અંદાજે બે લાખ રૂપિયાના ખર્ચે ગામના મુખ્ય પ્રવેશ માર્ગ પર સામૂહિક શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે, નિર્માણ બાદ આ શૌચાલયમાં પાયાની સુવિધાઓનો ધરાર અભાવ જોવા મળી રહ્યો છે. અહીં ન તો લાઈટની વ્યવસ્થા છે કે ન તો સફાઈની કોઈ કામગીરી કરવામાં આવે છે. યોગ્ય સફાઈના અભાવે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. હાલમાં આ શૌચાલયને પંચાયત કચેરી દ્વારા તાળા મારી દેવામાં આવ્યા છે, પરિણામે લાખોનો ખર્ચ કર્યા બાદ પણ જનતાને તેનો લાભ મળી રહ્યો નથી. આ મામલે જ્યારે તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન દેસાઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે ટેલિફોનિક સંપર્ક ટાળ્યો હતો. બીજી તરફ, આ મામલે નિઝામપુરાના સરપંચ બાદશાહખાનને પુછાતા તેવોએ જણાવ્યું હતું કે, શૌચાલય ચાલુ છે સફાઈ કરાવીએ છીએ અને લાઈટ રીપેરીંગ કરાવવાની છે. શૌચાલય પાંચ વર્ષ પહેલા બનાવેલા છે અમારા સમયમાં બનાવ્યા નથી.