ગુજરાતમાં હવે લોકડાઉન શક્ય નથી, જાણો રુપાણી સરકારે હાઇકોર્ટમાં શું દલીલ રજૂ કરી
અમદાવાદ, તા. 12 એપ્રિલ 2021, સોમવાર
ગુજરાતમાં કોરોનાના કારણે જે સ્થિતિનું નિર્માણ થયું છે તેને જોતા ગુજરાત હાઇકોર્ટે જાતે સંજ્ઞાન લઇને સુઓમોટો દાખલ કર્યો હતો. જે અંગે આજે બપોરે ચીફ જસ્ટિસ્ટની બેંચ દ્વારા સુનવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર વતી હાઇકોર્ટમાં એડવોકેટ જનરલ કમ ત્રિવેદીએ પક્ષ રજૂ કર્યો હતો. જેમણે કોર્ટ સમક્ષ દલીલ કરતા કહ્યું કે રાજ્યમાં હવે લોકડાઉન કરવું શક્ય નથી.
કમલ ત્રિવેદીએ કહ્યું કે ગયા વખતે જે લોકડાઉન લાગ્યું તે કેન્દ્ર સરકારનો આદેશ હતો, પરંતુ અત્યારે રાજ્યના લોકો અને રોજબરોજ કામ કરનારાઓને ધ્યાને લઇને લોકડાઉન લગાવવું શક્ય નથી. તેમણે કોર્ટને કહ્યું કે મુખ્યમંત્રીની અધ્યક્ષતા વાળી કોર કમિટિની બેઠક રોજે મળી રહી છે. સાથે જ તેમણે કોરોના કાળમાં રાજ્ય સરકારની કામગીરી પણ વર્ણવી હતી.
કમલ ત્રિવેદીએ હાઇકોર્ટ સમક્ષ કહ્યું કે ભારતમાં દરરોજ 1,75,000 વાયલ રેમડેસિવીરની આવશ્યકતા છે. ગુજરાત સરકાર એક દિવસમાં ૩૦,000 વાયલ મેળવે છે. હવે પ્રતિદિન 1.25 લાખ ટેસ્ટ કરવામા આવે છે, ટેસ્ટીંગની ક્ષમતા પણ વધારી દેવામાં આવી છે. સાથે જ ખાનગી લેબોરેટરી વધારી છે અને 70 હજાર આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરીએ છીએ.
કમલ ત્રિવેદીએ કહ્યું કે રાજય સરકારના પ્રયત્નોથી ઝાયડસ કેડિલાએ રેમડિસીવર ઈન્જેકશનના ભાવો પણ ઘટાડ્યા છે, જેથી સામાન્ય માણસોને ઈમરજન્સીમાં મળી રહે છે. તેમણે દલીલ કરતા કહ્યું કે રેમડેસિવિર ઇન્જેક્શનની આવશ્યકતા સામાન્ય સંજોગોમાં હોતી નથી તો પણ હોમ આઈસોલેશન થયેલા દર્દીઓ પણ રેમડેસિવીરનો આગ્રહ રાખે છે.