મહેમદાવાદના રોહિસ્સા પ્રા.શાળામાં શિક્ષકોના વિખવાદ મામલે તાળાબંધી
- શાળાના શિક્ષણ સ્ટાફની બદલીની માંગ : વીડિયો વાયરલ
- શિક્ષકોના ઝઘડા- આંતરિક રાજકારણના કારણે બાળકોના શિક્ષણ ઉપર અસર થયાનો ગ્રામજનોનો આક્ષેપ
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રોહિસ્સા ગામની પ્રાથમિક શાળામાં ગઈકાલે શિક્ષકો વચ્ચે થયેલા ઝઘડા બાદ આજે ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો હતો. ગઈકાલે શિક્ષકો વચ્ચે કોઈ મુદ્દે તીવ્ર વિખવાદ થયો હતો, જેના પગલે ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સરપંચ તેમજ આગેવાનો ભેગા થયા હતા. તેમણે નક્કી કર્યું હતું કે, શિક્ષકોના અંદરોઅંદરના રાજકારણનો ભોગ બાળકો બની રહ્યા છે. આ ઘટના બાદ વાલીઓ પણ રોષે ભરાયા હતા. આજે સવારે મોટી સંખ્યામાં બાળકો, વાલીઓ, સરપંચ અને ગામના આગેવાનો શાળાના ગેટ પર ભેગા થયા હતા અને શાળાને તાળાબંધી કરી દીધી હતી. તાળાબંધીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે ગ્રામજનોએ માંગણી કરી છે કે, જ્યાં સુધી શાળાના સમગ્ર શિક્ષણ સ્ટાફની બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ તાળાબંધી ખોલવામાં નહીં આવે. તેમનો આક્ષેપ છે કે, શિક્ષકો વચ્ચેના આંતરિક પ્રશ્નો અને ઝઘડાઓને કારણે શિક્ષણકાર્ય ખોરવાઈ રહ્યું છે અને બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે. આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે તરફ સૌની નજર છે.