Gujarat

જોધપુરના પ્રેરણાતીર્થ રોડ ઉપર આવેલા રત્નાકર-૩ની બી વિંગના એક ફલેટમાં આગ, ૧૫ લોકોનુ રેસક્યૂ

By GS TEAM
23 May 20261 min read
જોધપુરના પ્રેરણાતીર્થ રોડ ઉપર આવેલા રત્નાકર-૩ની બી વિંગના એક ફલેટમાં આગ, ૧૫ લોકોનુ રેસક્યૂ

 અમદાવાદ,શનિવાર,23 મે,2026

અમદાવાદમાં આગ લાગવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહયો છે.શનિવારે જોધપુર વિસ્તારના પ્રેરણાતીર્થ રોડ ઉપર આવેલા રત્નાકર-૩ની બી વિંગના ત્રીજા માળ ઉપર આવેલા એક ફલેટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.ફાયર વિભાગ દ્વારા ૧૫થી વધુ લોકોનુ રેસ્કયૂ કરી સલામત નીચે ઉતારવામા આવ્યા હતા.સદનસીબે આ ઘટનામા કોઈ ઈજા કે જાનહાની થવા પામી નહતી.

શુક્રવારે શહેરના જીવરાજપાર્ક ઉપરાંત મકરબા સહિતના અન્ય વિસ્તારમા મળી આગ લાગવાની કુલ ચાર ઘટના બની હતી. શનિવારે સવારે દસ કલાકના સુમારે રત્નાકર-ત્રણની બી વિંગના ત્રીજા માળે આવેલા એક ફલેટમાં આગ લાગતા ઘટનાની જાણ ફાયર વિભાગને થતા  ફાયરના છ વાહનો સાથે અધિકારીઓ અને જવાનો આગને કાબૂમા લેવા પહોંચ્યા હતા.સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવામા આવ્યો હતો.ત્રીજા માળના જે ફલેટમાં આગ લાગી હતી તે ફલેટના એક રુમમાં એ.સી. અને ચાર્જર ચાલુ કન્ડીશનમાં હતા. આ કારણથી ઓવરહીટીંગ થવાથી પણ આગ લાગી હોવાનુ ફાયર વિભાગનુ પ્રાથમિક તારણ છે.ફાયર અધિકારી પંકજ રાવલે કહયુ, હાલ શહેરમા ગરમીનુ પ્રમાણ સતત વધી રહયુ છે. આ સંજોગમાં વીજળીનો વપરાશ પણ વધી રહયો છે. આ પરિસ્થિતિમાં દરેક નાગરિકે ઓવરહીટીંગ ના થાય તેની સાવચેતી રાખવી જોઈએ. બહાર જવાનુ હોય તેવા સંજોગમાં ઘરની મેઈન સ્વીચ બંધ કરીને જવુ જોઈએ જેથી આગ જેવી ઘટનાઓ ટાળી શકાય.