Gujarat

સુરેન્દ્રનગર ધોળીપોળ મેઈન રોડ પર પ્રાથમિક સુવિધા મામલે સ્થાનિક લોકોએ ચક્કાજામ કર્યો

By GS TEAM
17 Jun 20252 mins read
સુરેન્દ્રનગર ધોળીપોળ મેઈન રોડ પર પ્રાથમિક સુવિધા મામલે સ્થાનિક લોકોએ ચક્કાજામ કર્યો

પાણી, રોડ, ગટર, સફાઈ સહિતની સુુવિધાઓ પુરી ન પાડતા રોષ

રજૂઆત છતાં ઉકેલ નહીં આવતા મહિલાઓ-કોંગ્રેસી કાર્યકરોએ ચક્કાજામ કરતાં વાહનોના થપ્પા લાગ્યા ઃ પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી ઃ ભારે જહેમત બાદ પોલીસે ટ્રાફિક પૂર્વવત કર્યોે

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર મન૫ા તંત્ર દ્વારા તમામ વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે છે પરંતુ તેમ છતાંય અમુક વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે વઢવાણ ધોળીપોળ પાસે સ્થાનીક રહિશો, મહિલાઓ અને કોંગ્રેસી કાર્યકર્તાઓએ પ્રાથમિક સુવિધાઓ મુદ્દે રસ્તા પર બેસી વિરોધ પ્રદર્શન કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓ અને કાર્યકરોએ ચક્કાજામ કરતા પોલીસે કેટલાક કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી હતી. ચક્કાજામના કારણે વિસ્તારમાં વાહનોની લાંબી કતારો લાગી હતી. 

વઢવાણ ધોળીપોળ વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં મનપા તંત્ર દ્વારા રોડ, રસ્તા, ગટર, પાણી, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં ત આવતા સ્થાનીક રહિશો અને મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં મનપા તંત્ર દ્વારા પીવાના પાણીનું પણ નિયમીત અને પુરતા પ્રમાણમાં વિતરણ કરવામાં ન આવતા મહિલાઓને પાણી વગર મુશ્કેલી પડી રહી છે જે મામલે અનેક વખત સ્થાનીક રહિશો અને મહિલાઓએ મનપા તંત્રને મૌખિક તેમજ લેખિત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. 

ત્યારે પ્રાથમિક સુવિધાઓ મુદ્દે વઢવાણ ધોળીપોળ મેઈન રોડ પર મહિલાઓ અને રહિશોએ રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો જેના પગલે બંને સાઈડ ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી જ્યારે આ બનાવની જાણ થતાં વઢવાણ પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને ચક્કાજામ કરી રહેલા રહિશો સહિત કોંગ્રેસના આગેવાનોને સમજાવવાના પ્રયાસો હાથધર્યા હતા. પરંતુ રોષે ભરાયેલા લોકો એકના મેક થયા નહોતા અને ચક્કાજામ શરૃ રાખ્યો હતો જ્યારે પોલીસે સ્થળ પરથી પાંચ થી વધુ કોંગ્રેસના આગેવાનોની અટકાયત પણ કરી હતી જ્યારે એક કલાકની ભારે જહેમત બાદ વઢવાણ પીઆઈ સહિતનાઓએ ચક્કાજામ કરી રહેલા લોકોને સમજાવતા મામલો થાળે પડયો હતો અને રસ્તાને ખુલ્લો કરી રાબેતા મુજબ વાહન વ્યવહાર શરૃ કરાવ્યો હતો. જ્યારે મનપા તંત્ર દ્વારા પણ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની ખાત્રી આપવામાં આવી હતી.