જીઆઇડીસી રોડ પર મેડિકલ વેસ્ટ ઠાલવવા મુદ્દે સ્થાનિકોનો હોબાળો
જીપીસીબીએ બાયો મેડિકલ રૂલ્સ અંતર્ગત ક્ષતિઓ જણાતા બે ક્લિનિક અને એક હોસ્પિટલને સૂચના આપી
જીઆઇડીસી રોડ પર આવેલ સ્વામી વિવેકાનંદ વિદ્યાલય પાસે જાહેર માર્ગ ઉપર અવારનવાર મેડિકલ વેસ્ટ ઠાલવવા મુદ્દે સ્થાનિકોના હોબાળા બાદ એક્શનમાં આવેલ જીપીસીબીએ આસપાસ આવેલ ત્રણ એકમોને લેખિત સૂચનાઓ આપી હતી.
વોર્ડ નં. 17માં સમાવિષ્ટ જીઆઇડીસી શાક માર્કેટ પાસે આવેલ સ્વામી વિવેકાનંદ વિદ્યાલય પાસે જાહેર માર્ગ ઉપર અવારનવાર મેડિકલ વેસ્ટ ઠાલવવા તથા અસામાજિક તત્વોના ત્રાસ સ્થાનિકોએ ભારે હોબાળો મચાવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. સ્થાનિક આગેવાનોનું કહેવું હતું કે, માર્ગ ઉપર અવારનવાર મેડિકલ સહિતનો વેસ્ટ ઠાલવવામાં આવે છે, અહીં શાળા આવેલી હોય વિદ્યાર્થી, વાલીઓ તથા રહીશો પરેશાન થાય છે, સરકારી હોસ્પિટલમાંથી જાહેરમાં મેડિકલ વેસ્ટ ઠાલવી નિયમોનું ઉલ્લંઘન કરે છે, તેમજ અહીં અસામાજિક તત્વોનો ત્રાસ છે, આ મામલે અગાઉ કોર્પોરેશન ,પોલીસ તથા શાળા સંચાલકને રજૂઆત કરી ચૂક્યા છે. ઘટના અંગે જીપીસીબીને જાણ થતા ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. તપાસમાં બાયોમેડિકલ વેસ્ટ નહીં પરંતુ કોર્પોરેશન વેસ્ટ હોય તે વેસ્ટ કોર્પોરેશને હટાવી દીધો હતો. જો કે, જીપીસીબીને બાયો મેડિકલ રૂલ્સ અંતર્ગત કેટલીક ક્ષતિઓ જણાતા આસપાસ આવેલ જય ક્લિનિક , ઓમ ક્લિનિક અને જય હોસ્પિટલમાં ઇન્સ્પેક્શન સાથે લેખિતમાં સૂચનાઓ આપી હતી.