image : File photo
Vadodara Dirty Water : વડોદરા શહેરના છેવાડાના ગામોનો વર્ષો અગાઉ શહેરી વિસ્તારમાં સમાવેશ કરાયો હતો ત્યારે તંત્ર દ્વારા જાતજાતના વચનોની લહાણી કરી હતી. પરંતુ ઓજી વિસ્તારમાં સમાવવામાં આવેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ આજે પણ યથાવત રહ્યો છે ત્યારે વોર્ડ નં. 8ની શ્રીરામ નગર, સંતોષી નગર અને દેસાઈપરામાં ડ્રેનેજ લાઈનની સુવિધા એક વર્ષથી નથી. પરિણામે ડ્રેનેજના ગંદા-ગંધાતા પાણી રોડ રસ્તા પર ફેલાઈ જવાના કારણે પાણીજન્ય રોગચાળાનો ભય ફેલાતા સ્થાનિક રહીશો, મહિલાઓએ પાલિકાની વડી કચેરી ખાતે હલ્લાબોલ કરીને તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચાર કર્યાનો વિડિયો વાયરલ થયો હતો.
ઉલ્લેખનીય છે કે કેટલાક વર્ષો અગાઉ શહેરના છેવાડાના ગામોનો શહેરી હદ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વખતે તંત્ર દ્વારા સ્થાનિકોને હથેળીમાં ચાંદ બતાવીને જાતજાતના વચનો આપ્યા હતા. આમ છતાં છેવાડાના કરોળિયા ગામના સ્થાનિક રહીશોને મોટાભાગની પ્રાથમિક સુવિધાઓ હજી સુધી મળી નથી. વોર્ડ નં. 8ના શ્રીરામ નગર, સંતોષી નગર, દેસાઈપરા વિસ્તારમાં હજી સુધી ડ્રેનેજ લાઈન નંખાઈ નહિ હોવાના આક્ષેપો થયા છે. પરિણામે ડ્રેનેજના ગંદા અને ગંધાતા પાણી આસપાસના રોડ રસ્તા પર ફરી મળતા વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ છે. પરિણામે સ્થાનિકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે ત્યારે તમામ સ્થાનિકો સહિત મોટી સંખ્યામાં એકત્ર થયેલી મહિલાઓએ પાલિકાની વડી કચેરી ખાતે હલ્લો બોલાવ્યો હતો. જોકે પાલિકાની કચેરીએ પ્રવેશ દ્વાર એક તબક્કે બંધ કરીને તમામને રોકી દેવાયા હતા પરંતુ સિક્યુરિટી ગાર્ડન સમયસુચકતા વાપરીને દરવાજા ખોલી નાખ્યા હતા. જેથી સૂત્રોચ્ચાર સાથે લોકોએ પાલિકાની લોબીમાં પહોંચી જઈને 'હાય હાય'ના સૂત્રો પોકારી પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગ સાથે ઉગ્ર રજૂઆતો તંત્ર સમક્ષ કરી હતી.


