કડક
કાર્યવાહી કરવાની માંગ
નશામાં
યુવાધન કાયદો હાથમાં લેતા વીડિયો વાયરલ
થતાં હોવા છતાં પોલીસ કાર્યવાહી નહીં કરતા મહિલાઓમાં ભય
સુરેન્દ્રનગર -
વઢવાણના નવા દરવાજા અને કોળીપરા વિસ્તારમાં બેફામ વેચાતા
દેશી દારૃ અને ગાંજા જેવા નશીલા પદાર્થોેના વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને
રહીશોએ પોલીસ સ્ટેશન ખાતે હોબાળો કર્યો હતો.
સ્થાનિકોનો
ગંભીર આક્ષેપ છે કે અનેકવાર રજૂઆતો અને સોશિયલ મીડિયા પર પુરાવાઓ વાયરલ થવા છતાં પોલીસ
તંત્ર મૂકપ્રેક્ષક બનીને જોઈ રહ્યું છે,
જેના કારણે બહેન-દીકરીઓનું રસ્તા પર નીકળવું મુશ્કેલ બન્યું છે.
રજૂઆત
દરમિયાન જણાવાયું હતું કે,
હાલ રામદેવપીરના આખ્યાન જેવા ધામક કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે
નશાખોરો છરીઓ અને ગુપ્તી જેવા જીવલેણ હથિયારો બતાવી ભયનું વાતાવરણ ઉભું કરે છે.
નશો કરેલા તત્વો જાહેર કાર્યક્રમો બંધ કરાવી કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવી
રહ્યા છે. યુવાધન નશાના રવાડે ચઢી ગુનાખોરી તરફ વળતા વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી
રહી છે.
મહિલાઓએ
આક્ષેપ કર્યો કે પોલીસ માત્ર મુકપ્રેક્ષક બની રહી છે. આ સંદર્ભે સ્થાનિકોએ તાત્કાલિક દરોડા પાડી દેશી
દારૃ અને ગાંજાના વેચાણ પર રોક લગાવવામાં આવે તથા કાયદો ભંગ કરનાર તત્વોને જેલના
સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી કડક માંગ વઢવાણ પોલીસ સમક્ષ ઉઠાવી છે.


