Get The App

સિદસરમાં રોડ પર સ્પીડ બ્રેકર નહીં હોવાથી સ્થાનિકોએ ચક્કાજામ કર્યો

Updated: Dec 15th, 2025

GS TEAM

Google News
Google News
સિદસરમાં રોડ પર સ્પીડ બ્રેકર નહીં હોવાથી સ્થાનિકોએ ચક્કાજામ કર્યો 1 - image

- સિદસર-વરતેજ રોડ પર સ્પીડ બ્રેકર મુકવા લોકોની ઉગ્ર માંગણી

- નગરસેવકે સ્પીડ બ્રેકર મુકવાની ખાતરી આપતા રોડ ખુલ્લો કર્યો : વાહનો પુરઝડપે ચાલતા હોવાથી અકસ્માતની ભીતિ 

ભાવનગર : ભાવનગર શહેરમાં આવેલ સિદસર વિસ્તારના સ્થાનિક રહીશોએ આજે રવિવારે સ્પીડ બ્રેકરના મામલે રોડ પર ચક્કાજામ કર્યો હતો, જેના કારણે વરતેજ તરફથી સિદસર આવતા વાહન ચાલકોએ પરત જવુ પડયુ હતું. નગરસેવકે સ્પીડ બ્રેકર મુકવાની ખાતરી આપતા લોકોએ રોડ ખુલ્લો કર્યો હતો. 

સિદસર-વરતેજ રોડ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે અને વાહન ચાલકો પુરઝડપે વાહનો ચલાવતા હોય છે, જેના કારણે સિદસર વિસ્તારમાં અકસ્માતની ભીતિ રહેલી છે. સ્પીડ બ્રેકર મુકવાની માંગણી સાથે સિદસરના સ્થાનિક રહીશો રોડ પર બેસી ગયા હતા તેથી વરતેજ તરફથી સિદસર તરફ આવતા વાહન ચાલકોેએ પરત જવુ પડયુ હતું. સ્થાનિક લોકોએ જણાવ્યુ હતુ કે, રોડ પર એક જ સ્પીડ બ્રેકર મુકવામાં આવેલ છે અને વાહનો રોડ પરથી સ્પીડમાં પસાર થતા સિદસરમાં શાળાએ જતા વિદ્યાર્થીઓ, વૃધ્ધો વગેરેને મૂશ્કેલી પડી રહી છે. આ રોડ પર અકસ્માતની ભીતિ રહેલી છે છતાં મહાપાલિકા દ્વારા સ્પીડ બ્રેકર મુકવામાં આવતા નથી તેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

સિદસર રોડ પર ચક્કાજામ થયો હોવાની વાત મળતા ભાજપના નગરસેવક ધીરૂભાઈ ધામેલીયા સ્થળ પર દોડી ગયા હતા અને સ્થાનિક રહીશોને એક-બે દિવસમાં બમ્પ બનાવી દેવાની ખાતરી આપી હતી તેથી લોકોેએ રોડ ખુલ્લો કર્યો હતો. બમ્પ મુકવામાં નહીં આવે તો ફરી વિરોધ પ્રદર્શન કરાશે તેમ સ્થાનિક લોકોએ જણાવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, ભુતકાળમાં સિદસર રોડ પર અકસ્માતના બનાવ પણ બનેલ છે ત્યારે મહાપાલિકાએ તત્કાલ યોગ્ય પગલા લેવા જરૂરી છે તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.