સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં સોની ફળિયામાં જેસીબીથી મિલકતના ડિમોલીશન સામે સ્થાનિકોનો ફરિયાદ
Surat Demolition : સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં સોની ફળિયા વિસ્તારમાં એક મિલ્કતને જેસીબી મશીનથી જોખમી રીતે તોડવામાં આવી રહી હોવાની ફરિયાદ બાદ ઝોને કામગીરી અટકાવી છે. જોકે, આ કામગીરી અટકી ગયાં બાદ સ્થાનિકો આ મિલકતમાં અશાંત ધારાનો ભંગ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરી રહ્યાં છે. તો બીજી તરફ પાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે જોખમી રીતે થતું ડિમોલીશન અટકાવ્યું છે અને અશાંત ધારા કલેક્ટર કે પોલીસના કાર્યક્ષેત્રમાં આવે છે.
પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં સોની ફળિયામાં દત્ત મંદિર નજીક એક ડેરીની બાજુમાં મિલ્કતનું ડિમોલીશન જેસીબી મશીનથી ચાલી રહ્યું હોવાની ફરિયાદ ઝોનને મળી હતી. જેમાં આ ડિમોલીશનના કારણે આવતા જતા લોકો અને મંદિરે આવતા ભક્તોના જીવ જોખમમાં હોય તેવું લાગે છે અને વાતાવરણ ખૂબ જ દુષિત થઈ રહ્યું છે તમામ ધૂળ અને કચરો હોવાથી મંદિરમાં પણ આવી રહ્યું છે તેવો ફરિયાદમાં ઉલ્લેખ હતો. ત્યારબાદ ઝોન દ્વારા તાત્કાલિક આ કામગીરી અટકાવી હતી. આ રીતે ડિમોલીશન થતું હોવાથી અકસ્માતનો ભય છે તેથી ફરિયાદ બાદ આ કામગીરી અટકાવી છે અને બ્રેકર મશીન અને મેન્યુઅલ કામગીરી કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
તો બીજી તરફ સ્થાનિક રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ વિસ્તારોમાં અશાંત ધારાનો અમલ છે પરંતુ આ મિલકત વિધર્મીને વેચી દેવામાં આવી છે અને તેઓ તોડી રહ્યા છે પાલિકા તંત્ર એ કહ્યું છે કે, જોખમી ડિમોલિશનની ફરિયાદ છે તેની સામે કામગીરી કરવામાં આવી છે. પરંતુ અશાંતધારાના કાયદાનો અમલ કલેક્ટર કે પોલીસ વિભાગના કાર્યક્ષેત્રમાં આવે છે.