શામળબેચરની પોળમાં કોર્પોરેશને ખોદેલ ખાડાથી સ્થાનિકો પરેશાન
માંડવી ખાતેની શામળબેચરની પોળમાં કોર્પોરેશનએ ડ્રેનેજની કામગીરી માટે ખોદકામ કર્યું છે. આ વિશાળ ખાડામાં છેલ્લા કેટલાક દિવસથી દુર્ગંધ યુક્ત ડ્રેનેજના દૂષિત પાણી ભરાયા છે. કોર્પોરેશન વહેલી તકે સમારકામ પૂર્ણ ન કરતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. જેથી આજે સ્થાનિક મહિલાઓ વોર્ડ નં.14 ની કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચી હતી. પરંતુ, અધિકારી હાજર ન મળતા મહિલાઓએ તંત્ર વિરુદ્ધ બળાપો ઠાલવ્યો હતો. તેમનું કહેવું હતું કે, પોળના નાગરિકોને અવરજવર માટે મુશ્કેલી થઈ રહી છે. વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. અધિકારી નિરીક્ષણ કરી જતા રહે છે. પરંતુ સમારકામ વહેલી તકે પૂર્ણ થઈ રહ્યું નથી. હવે અમારી રજૂઆત બાદ વહેલી તકે સમારકામ પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે જાતે ખાડો પૂરીશું.