વડોદરાના માંજલપુરમાં પાકો રસ્તો ન હોવાથી સ્થાનિકો પરેશાન
Vadodara : વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ અમૃતનગરના રહીશો પાછલા એક વર્ષથી રસ્તાની સમસ્યાને લઈ પરેશાન હોય આંખ આડા કાન કરનાર સત્તાધીશો વિરુદ્ધ સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
વડોદરાના વોર્ડ નં.17માં સમાવિષ્ટ મકરપુરા રોડ પર ડોન બોસ્કો શાળાની પાસે આવેલ અમૃતનગરના રહીશો પાછલા એક વર્ષથી ડ્રેનેજ અને રસ્તાની સમસ્યાથી ત્રસ્ત હોવાની ફરિયાદો ઉઠી છે. આ અંગે સ્થાનિકોનું કહેવું છે કે, હજુ સુધી ડ્રેનેજ લાઈન આવી નથી. પાકો રસ્તો ન હોવાથી વરસાદ વરસતા સ્થાનિકોને કાદવ કીચડમાંથી પસાર થવું પડે છે. અગાઉ સ્થાનિક કાઉન્સિલર અને કોર્પોરેશનના અધિકારીને રૂબરૂ તથા લેખિત જાણ કરી ચૂક્યા છે. હજુ સુધી સ્થળ પર ફરક્યા નથી. અને સમસ્યાનું નિરાકરણ પણ આવી રહ્યું નથી. તાજેતરમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખની આગેવાનીમાં વિરોધ પ્રદર્શિત કરી નિદ્રાધીન તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. છતાં હજી સુધી કોઈ હકારાત્મક પરિણામ આવ્યું નથી. હાલ માર્ગ ઉપર કાદવ કીચડ હોવાથી બાળકો અને સિનિયર સિટીઝનને વધુ હાલાકી પડી રહી છે.