જામનગરમાં પ્રેમચંદ કોલોની વિસ્તારમાં રોડની વચ્ચે અજાણ્યા શખ્સ દ્વારા લોખંડના ગર્ડર ફીટ કરાવી દેતાં સ્થાનિકો પરેશાન
Jamnagar : જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 માં આવેલી પ્રેમચંદ કોલોની કે જ્યાં નાનકપુરી પાસેના વિસ્તારના મુખ્ય રોડ પર રોડની વચ્ચે કોઈ વ્યક્તિ દ્વારા રાતો રાત લોખંડના ગર્ડર ફીટ કરાવી દીધા હતા, જેના કારણે આ વિસ્તારમાંથી કોઈ મોટા વાહનો પસાર ન થઈ શકે તેવી આડશો ઊભી થઈ ગઈ છે. જેને કારણે સ્થાનિકો પરેશાન બન્યા છે.
કોના દ્વારા આ આડશો ઉભી કરાઇ છે, તે જાણી શકાયું નથી. પરંતુ સ્થાનિક તંત્રએ સમગ્ર ઘટનાનો ફોટો-વિડીયો બનાવીને જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં લગત વિભાગને જાણ કરી છે, અને તાત્કાલિક અસરથી આ ગેરકાયદે આડશ દૂર કરીને રસ્તો ખુલ્લો કરાવવા માટેની માંગણી કરવામાં આવી છે.