બાલાસિનોરમાં પી.ડબલ્યુ.ડી વિભાગની બેદરકારી
તાજેરી સરપંચે રજૂઆત કરી તો એન્જિનિયરે જવાબ આપ્યો 'રસ્તો તો આવો જ બનશે, તારે જે કરવું હોય એ કરી લે'
બાલાસિનોર તાલુકાના દોલત પોરડાથી લઈને તાજેરી સુધી ડામર રસ્તો બની રહ્યો છે. જેમાં તાજેરી વિસ્તારમાં માર્ગ બનતા જ માર્ગમાં વાપરવામાં આવતી સામગ્રી હલકી ગુણવત્તા તેમજ રોડની થીકનેસ બરોબર ના જળવાતા સમગ્ર વિસ્તારના લોકોમાં પી.ડબલ્યુ.ડી વિભાગના અધિકારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર બાબતે તાજેરી ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં રોડ બનતા તપાસ કરી હતી. જેમાં માર્ગ બરોબર ના બનાવતા કામ કરતા કામદારોને મૌખિક જાણ કરી પરંતુ તેઓએ એન્જિનિયરને જાણ કરવાનું જણાવ્યું હતી. જેથી એન્જિનિયરને ટેલિફોનીક જાણ કરતા રસ્તાની થિકનેસ બરાબર નથી તો એન્જિનિયરે જણાવ્યું કે, 'રસ્તો તો આવો જ બનશે, તારે જે કરવું હોય એ કરી લે' તેમ કહી ફોન મૂકી દીધો હતો.
ત્યારે બાલાસિનોર પી.ડબલ્યુ.ડી વિભાગમાં અધિકારીઓ માત્ર કોન્ટ્રાક્ટરોની વગ લઈને સ્થાનિક આગેવાનોની રજૂઆત ધ્યાને ના લેતા હોવાનું સામે આવ્યું છે.
અગાઉ પણ સૂતારિયા ગ્રામ પંચાયતમાં પણ નવીન બનતા રોડને લઈને સ્થાનિકોએ હલ્લાબોલ કરી હતી. તેમ પણ અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની વગ લઈને કામગીરી નબળી ચાલુ રાખી હતી, તેવા આક્ષેપો થઈ રહ્યાં છે. ત્યારે સારી કામગીરી કરાવવાના બદલે કોન્ટ્રાક્ટરો જોડેથી માત્ર કટકી કરવાના અધિકારીઓ મસ્ત બન્યા છે, તેવો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.


