જામનગરમાં રોડ પરના ખાડાથી પરેશાન સ્થાનિકો અને કોર્પોરેટરનો 'ખાડા નગર' ની કેક કાપી વિરોધ
Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12માં અનેક સ્થળે ખાડા થઈ ગયા છે, અને રોડની હાલત અત્યંત ખરાબ છે, ત્યારે મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના વિરોધ પક્ષના કોર્પોરેટર અસલમ ખીલજી તથા જેનબબેન ખફી વગેરે દ્વારા નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને તંત્રની જગાડવા માટેનો પ્રયાસ કરાયો હતો.
વોર્ડ નંબર 12 માં જ્યાં મોટા ખાડા પડેલા છે, તે રોડ રસ્તા પર જ જાહેરમાં ખાડા નગર નામની કેકનું કટીંગ કરવામાં આવ્યું હતું. જ્યાં નાગરિકોને એકત્ર કરાયા હતા, અને કેક કાપીને કટાક્ષના સ્વરૂપમાં તેનું કટીંગ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રોડની વચ્ચે જ્યાં મોટા ખાડા પડેલા છે, ત્યાં જાહેરમાં પાટાપીંડી કરવામાં આવી હતી, અને રોડને થિંગડા મારવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તંત્ર જાગૃત બને અને આ વિસ્તારના રોડ રસ્તાને સરખા બનાવે, તે મુદ્દે વિરોધ દર્શાવવાની સાથે મરામતની માગણી કરી હતી.