Gujarat

વઢવાણ નવા 80 ફુટ રોડ પર સ્થાનીક મહિલાઓ અને રહિશોએ અનોખો વિરોધ કર્યો

By GS TEAM
23 Jun 20252 mins read
વઢવાણ નવા 80 ફુટ રોડ પર સ્થાનીક મહિલાઓ અને રહિશોએ અનોખો વિરોધ કર્યો

- વઢવાણના ધારાસભ્ય, મનપા કમીશ્નર અને કલેકટરની આત્માની શાંતિ માટે અગરબત્તી સળગાવી સુત્રોચ્ચાર કર્યા

- સુગમ સોસાયટી, કૌશલ પાર્ક, સંતોષ પાર્ક સહિતના અનુ.જાતિના વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં રોષ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મનપાની હદમાં નવા ૮૦ ફુટ રોડ પર આવેલ અમુક રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલના અભાવે તેમજ ગટરોના ગંદા પાણી ફરી વળતા સ્થાનીક રહિશો સહિત મહિલાઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે ત્યારે રોષે ભરાયેલા સ્થાનીક રહિશો અને મહિલાઓએ અનોખી રીતે વિરોધ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ વઢવાણ નવા ૮૦ ફુટ રોડ પર આવેલ સુગમ સોસાયટી, કૌશલ પાર્ક, સંતોષ પાર્ક સહિતના વિસ્તારોમાં અનેક અનુ.જાતિના પરિવારો વર્ષોથી વસવાટ કરે છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલનો અભાવ હોવાથી તેમજ ભુગર્ભ ગટરની કામગીરી પણ આડેઘડ થઈ હોવાથી દર ચોમાસામાં આ વિસ્તારના મુખ્ય માર્ગો સહિત અમુક મકાનોમાં ગટરોના ગંદા પાણી ઘુસી જતા લોકોને હાલાકી પડી રહી છે તેમજ સોસાયટીમાં અવર-જવરના મુખ્ય રસ્તા પર પણ ગટરોના દુષીત પાણી ફરી વળતા નાના બાળકો, મહિલાઓ અને વૃધ્ધોને પારાવાર મુશ્કેલી પડી રહી છે જે અંગે અગાઉ પાલિકા તંત્ર તેમજ ત્યારબાદ મનપા તંત્રને લેખીત અને મૌખીક રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં સ્થાનીક મહિલાઓ, રહિશો અને આગેવાનોએ અનોખી રીતે વિરોધ કર્યો હતો જેમાં વઢવાણના ધારાસભ્ય, જીલ્લા કલેકટર, મનપા કમીશ્નરની આત્માની શાંતિ માટે અગરબત્તી સળગાવી વિરોધ કર્યો હતો. આ ઉપરાંત તમામ વિરૂધ્ધ રામ બોલો ભાઈ રામના સુત્રોચ્ચાર સાથે મનપા તંત્ર સામે રોષ દાખવ્યો હતો. તંત્રને રજુઆત કરી થાક્યા હોવા છતાં અનુ.જાતિના વિસ્તારોની સમસ્યાનો ઉકેલ ન આવતા તંત્રના સત્તાધીશો અને અધિકારીઓ સ્થાનીક રહીશો માટે મૃત્યુ પામ્યા સમાન ગણાવી હાથમાં સળગાવેલી અગરબત્તી સાથે સોસાયટીના ગંદા પાણીમાં ચાલીને ખાડામાં અગરબત્તી મુકી અનોખી રીતે વિરોધ કર્યો હતો તેમજ આ સમસ્યાનો કાયમી અને ઝડપથી ઉકેલ નહિં આવે તો મનપા કચેરી ખાતે એકત્ર થઈ ઉગ્ર વિરોધ અને હલ્લાબોલની ચીમકી ઉચ્ચારી હતી. આ તકે સ્થાનીક રહિશો, મહિલાઓ સહિત આગેવાનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં જ્યારે સ્થાનીક મહિલાઓઅ ને રહિશોના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા આ વિસ્તારમાં અનુ.જાતિના પરિવારો વસવાટ કરા હોવાથી શરૂઆતી જ ભેદભાવ ભરી નિતિ રાખતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.