સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે સ્થાનીક મહિલાઓ અને રહિશોએ હલ્લાબોલ કર્યો
- 4 થી 5 સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ રહેતા રોષ
- અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર નવા જંકશન રોડ પર આવેલ ત્રણ થી ચાર સોસાયટીઓમાં છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી પાણીનો નિકાલ ન થતાં સ્થાનીક મહિલાઓ અને રહિશો મનપા કચેરી ખાતે એકત્ર થયા હતા અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાને ધ્યાને લઈ હલ્લાબોલ કર્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર નવા જંકશન વિસ્તારમાં આવેલ વિવેકાનંદ સોસાયટી, સિધ્ધિ વિનાયક સોસાયટી, રાઘે શ્યામ સોસાયટી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં અનેક પરિવારો સહિત નાના બાળકો અને વૃધ્ધોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. દર ચોમાસામાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા સહન કરવી પડતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી અને સતત વરસાદી પાણી ભરાઈ રહેતા મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ફેલાવાની દહેશત પણ સેવાઈ રહી છે અનેક વખત રજુઆત કરવા છતાં મનપા તંત્ર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવતું હોવાનું સ્થાનીક રહિશો અને મહિલાઓએ જણાવ્યું હતું અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી ત્રસ્ત બની મનપા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને તાત્કાલીક વરસાદી પાણીના નિકાલની કામગીરી કરાવમાં આવે તેવી માંગ કરી હતી.