વઢવાણ નવા 80 ફુટ રોડ પર વરસાદી પાણીનો નિકાલ ન થતાં સ્થાનીક રહિશોને હાલાકી
- વરસાદે વિરામ લીધા બાદ પણ 4 થી 5 સોસાયટીઓમાં પાણી ભરાઈ રહેતા રોષ
- અનેક વખત રજુઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈ જ ઉકેલ ન આવતા આંદોલનની ચીમકી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મનપાની હદમાં આવેલ અંદાજે ૦૫ થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણીનો નિકાલ નહિ થતા સામાન્ય વરસાદમાં જ સોસાયટીના રસ્તાઓ પર તેમજ ખુલ્લી જગ્યામાં વરસાદી તેમજ ગટરોના ગંદા પાણી ફરી વળતા અનેક પરિવારોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. જે અંગે અનેક વખત સ્થાનિક રહીશોએ મહાનગરપાલિકા તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ ઉઠવા પામી છે.
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર મનપા તંત્ર દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં કરોડો રૂપિયાના વિકાસના કામો કરવામાં આવતા હોવાની મસમોટી વાતો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કાંઇક અલગ છે. જેમાં સુરેન્દ્રનગર મનપાની હદમાં વઢવાણ નવા ૮૦ ફૂટ રોડ પર સુગમ સોસાયટી, સંતોષ પાર્ક, શ્રીજીનગર, સંતોષ પાર્ક, ચંદ્રનગર, સૂર્યનગર, વિરાટનગર સહીત ૦૭ થી વધુ સોસાયટીઓમાં અંદાજે ૪૦૦ થી વધુ પરિવારો છેલ્લા ૧૫ વર્ષ કરતા પણ વધુ સમયથી વસવાટ કરે છે. પરંતુ આ વિસ્તારમાં પાલિકા હતી ત્યારથી જ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નહીં આવતા સ્થાનિક રહીશો અને મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ તમામ રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહિ કરવાથી તેમજ ભૂગર્ભ ગટરની પાઈપલાઈન પણ યોગ્ય રીતે નાખવામાં નહિ આવતા વર્ષોથી આ વિસ્તારમાં રહેતા અનેક પરિવારને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે. જેમાં હાલ માત્ર સામાન્ય વરસાદમાં જ સોસાયટીઓમાં વરસાદી પાણી સાથે સાથે ભૂગર્ભ ગટરની કામગીરી પણ યોગ્ય રીતે નહિ કરી હોવાથી ગટરોના પણ ગંદા પાણી સોસાયટીઓમાં આવેલ ખુલ્લી જગ્યાઓ તેમજ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા રહીશોને હાલાકી પડી રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓ, નાના બાળકો, મહિલાઓ અને વૃધ્ધોના રસ્તા પર લપસી જવાથી પડી જવાના બનાવો પણ બની રહ્યા છે તેમજ વરસાદી પાણી ભરાઈ રહેતા મરછરોના ઉપદ્રવથી રોગચાળો ફેલાવવાની પણ દહેશત સેવાઈ રહી છે. આ અંગે અગાઉ અનેક વખત સ્થાનિક રહીશો અને મહિલાઓ પાલિકાને રજૂઆત કરી ચૂક્યા છે અને હવે મહાનગરપાલિકા બન્યા બાદ છેલ્લા ત્રણ ચાર મહિનાથી મનપાના સત્તાધીશોને પણ લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. આ વિસ્તારમાં મોટાભાગે અનુસુચીત જાતિના પરિવારો રહેતા હોવાથી તંત્ર દ્વારા શરૂઆતથી જ ભેદભાવ રાખી ઓરમાયું વર્તન કરતા હોવાનો પણ રહીશોએ આક્ષેપ કર્યો છે. તેમજ આગામી દિવસોમાં મનપા તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ તેમજ ભૂગર્ભ ગટરની સમસ્યાનો ઉકેલ લાવવામાં નહિ આવે તો સ્થાનિક રહીશો દ્વારા મનપા કચેરી ખાતે ધરણા સહીત ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.