'વરસાદમાં આવતા નથી, હવે ઉદ્ઘાટન કરવા આવ્યા!'..વડોદરામાં ભાજપના નેતાઓને સ્થાનિકોએ ઘેર્યા
Vadodara : વડોદરા શહેરમાં આજે સોમવારે જળ શક્તિ અભિયાન અંતર્ગત કારેલીબાગ વિસ્તારમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓને સ્થાનિક રહીશોના ઉગ્ર રોષનો સામનો કરવો પડ્યો હતો. આ કાર્યક્રમમાં 'સ્પોન્જ પોન્ડ'ના ઉદ્ઘાટન અને 'હોમ કમ્પોસ્ટ કીટ' વિતરણ માટે ઉપસ્થિત રહેલા ભાજપના નેતા મનોજ પટેલ (મંછો) અને કોર્પોરેટર બંદિશ શાહ સમક્ષ સ્થાનિકોએ વરસાદી પાણી ભરાવાની સમસ્યા અને ભાજપના નેતાઓની ગેરહાજરી મુદ્દે આક્રોશ ઠાલવ્યો હતો.
જળ શક્તિ કાર્યક્રમમાં સ્થાનિકોનો ઉગ્ર વિરોધ
આજે કારેલીબાગ વિસ્તારમાં અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડની બાજુમાં ભાજપ દ્વારા જળ શક્તિ અભિયાનનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન, સ્થાનિકોએ કોર્પોરેટર બંદિશ શાહ સહિતના ભાજપના નેતાઓને ઘેરીને ઉગ્ર રજૂઆતો કરી હતી. રહીશોનો મુખ્ય મુદ્દો એ હતો કે આ વિસ્તારમાં વરસાદી ગટરની જે પાઇપો નાખવામાં આવી છે, તે ચોકઅપ થઈ ગઈ છે અને તેની નિયમિત સફાઈ કરવામાં આવતી નથી.
વોટ લેવાના હોય ત્યારે બધા દોડી દોડી આવે છે...
સ્થાનિકોએ નેતાઓને જણાવ્યું કે, "જ્યારે વરસાદનું પાણી ભરાય છે ત્યારે કોઈ જોવા આવતું નથી, અને આજે ઉદ્ઘાટન માટે અહીંયા આવ્યા છો તે યોગ્ય નથી." સ્થાનિક મહિલાઓએ રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, "જ્યારે વરસાદનું પાણી આવે છે ત્યારે બધાનું અનાજ બગડે છે. પાછળથી ગટરનું પાણી આવે છે અને આગળથી વરસાદનું પાણી. વોટ લેવાના હોય ત્યારે બધા દોડી દોડી આવે છે, પણ પછી કોઈ આવતું નથી." તેમણે એ પણ ઉમેર્યું કે, બે દિવસ અગાઉ જ લાઇન બંધ થઈ હતી અને પાણી જતું ન હતું.
કોર્પોરેટર બંદિશ શાહનો બચાવ
સ્થાનિકોના રોષ સામે કોર્પોરેટર બંદિશ શાહે બચાવ કરતાં જણાવ્યું હતું કે, "સ્થાનિકોના આક્ષેપો સામે મારી પાસે વીડિયો છે કે મેં જાતે આવીને રાત્રે દોઢ વાગ્યે સાફ કરાવ્યું છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, તેઓ વિસ્તારમાં પાણી ન ભરાય તે માટે સતત પ્રયત્નશીલ છે અને ચોમાસા સમયે પણ કામગીરી કરી છે. શાહે દાવો કર્યો કે, "તેઓ કહે છે કોઈ નથી આવતા પરંતુ મારી પાસે અહીંયા આવવાના પુરાવા છે. આ પ્રયત્ન તેઓના માટે જ કરીએ છીએ અને અહીંયા બે ચેમ્બર પણ બનાવવામાં આવી છે. અમારો પ્રયાસ છે કે અહીંયા પાણી ભરાય નહીં."
જોકે, શહેરમાં આવેલા પૂર સમયે ભાજપના નેતાઓ પ્રજાની મદદ માટે આવ્યા નથી અને કોઈ કામગીરી કરવામાં આવતી નથી તેવી ફરિયાદો અગાઉ પણ અવારનવાર ઉઠી હતી. આજના કાર્યક્રમમાં થયેલી ઉગ્ર રજૂઆત દર્શાવે છે કે જળભરાવની સમસ્યા અંગે સ્થાનિકોમાં હજુ પણ ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.