Get The App

જુના બિલોદરા ગામે રસ્તા પર વહેતા ગંદા પાણીથી સ્થાનિક રહીશો પરેશાન

Updated: Dec 25th, 2025

GS TEAM

Google News
Google News
જુના બિલોદરા ગામે રસ્તા પર વહેતા ગંદા પાણીથી સ્થાનિક રહીશો પરેશાન 1 - image

- નડિયાદ મનપાને અનેક રજૂઆત છતા ઉકેલ નહીં

- મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા ગટર લાઈન રિપેર કરીને સમસ્યાનું નિરાકરણ લાવવા માંગણી

નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકાની હદમાં આવેલા જુના બિલોદરા ગામે જુના વણકરવાસના રસ્તા પર છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી વહે છે. આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં રસ્તા પર વહેતા ગંદા પાણીના પ્રશ્નનું નિરાકરણ ન આવતા સોસાયટીના રહીશો તેમજ વિદ્યાર્થીઓના વાલીઓમાં મનપાના સત્તાધીશો સામે રોષ ફેલાયો છે.

નડિયાદના જુના બિલોદરામાં રહેતા મહેન્દ્રભાઈ પરમારે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, જુના બિલોદરા તા. નડિઆદની સીમ સર્વે નં. ૪૫૯/૧-અ માં આવેલ વણકર સોસાયટીના રહીશોને બહાર જવાના મુખ્ય ગામ માર્ગ ઉપર ગટર લાઈનમાં કચરો ભરાવવાના કારણે ગટર લાઈનનું ગંદુ પાણી છેલ્લા ત્રણ-ચાર માસથી વહે છે. જેના કારણે પ્રાથમિક શાળામાં જતા બાળકો તેમજ સોસાયટીના રહીશો ગટરના ગંદા પાણી ડહોળીને અવરજવર કરવા મજબૂર બન્યા છે. આ ગંદા પાણી રોડ પર ભરાઈ રહેતા હોવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે તેમજ ગંદુ પાણી ભારે દુર્ગંધ મારતું હોવાથી સોસાયટીના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

 પ્રા.શાળા અને બંધ ગ્રામ સચિવાલય આગળના જાહેર માર્ગ ઉપર ગટરના ગંદા પાણી ભરાઇ રહેતાં હોય સ્થાનિક લોકોને તેમજ પ્રાથમિક શાળાના બાળકોને અવજ-જવર કરવામાં ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. આ બાબતે અવારનવાર મૌખિક લેખિત રજુઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. ત્યારે મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા ગટર લાઈન રીપેર કરી રોડ પર ભરાતા ગંદા પાણીના પ્રશ્નનું નિરાકરણ લાવવા માગણી કરવામાં આવી છે.