Ahmedabad News : અમદાવાદના આંબાવાડી-માણેકબાગ વિસ્તારમાં આવેલા સનપ્રીમા એપાર્ટમેન્ટમાં રહેતા સ્થાનિક રહેવાસીઓએ તેમના જ એપાર્ટમેન્ટના બે સભ્યો દ્વારા સતત હેરાનગતિ કરવાનો ગંભીર આરોપ લગાવીને સમગ્ર મામલે મહિલા પોલીસ મથક અને સેટેલાઇટ પોલીસ મથકે ન્યાય માટે રજૂઆત કરી છે. જેમાં એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાઓએ ગંભીર આરોપ લગાવ્યો છે કે આક્ષેપિત સભ્યએ મહિલાઓની કમિટીમાં લેવાના બદલે મહિલાઓને રસોડામાં રહેવું જોઇએ તેમ કહીને અપમાન કર્યુ હતું. એટલુ જ નહી સ્થાનિક સિક્યોરીટી ગાર્ડ સાથે પણ ગેરવર્તન કરીને ધમકી આપ્યાના આરોપ કરાયો છે.
માણેકબાગ-આંબાવાડી પાસે આવેલી સનપ્રીમા એપાર્ટમેન્ટમાં રહેતા સ્થાનિક લોકોએ સેટેલાઇટ પોલીસ મથકે તેમના એપાર્ટમેન્ટમાં રહેતા ડૉ. રોનક શાહ અને નિસર્ગ શેઠ નામના બે સભ્યો દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવતી હોવાનો ગંભીર આરોપ કરતી ચોંકાવનારી રજૂઆત કરી છે. જેમાં સનપ્રીમા એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાઓએ મહિલા પોલીસ સ્ટેશનમાં અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નિસર્ગ શેઠ અને રોનક શાહ પર આક્ષેપ કર્યો છે કે એપાર્ટમેન્ટના મોટાભાગના ફ્લેટ મહિલાઓના નામે છે. જેથી કમિટીમાં મહિલાઓનો સમાવેશ કરવાની રજૂઆત થતા નિસર્ગ શેઠે મહિલાઓનું અપમાન કરતા જાહેરમાં કહ્યુ હતુ કે લેડીઝ કંઇ ન કરી શકે તેમને રસોડામાં જ રહેવુ જોઇએ. એટલુ જ નહી એપાર્ટમેન્ટમાં નાની નાની વાતને ઉગ્ર સ્વરૂપ આપીને કોર્ટ અને પોલીસ સુધી મામલો પહોંચતો કરીને સોસાયટીના સ્થાનિક લોકોને સતત પરેશાન કરે છે.
આ ઉપરાંત, ગત 9 ડિસેમ્બરના રોજ રોજ રાતના સમયે નિસર્ગ શેઠ અને રોનક શાહ અન્ય બે લોકો સાથે આવ્યા હતા અને સિક્યોરીટી ગાર્ડ સાથે ગેરવર્તન કરીને સીસીટીવી સાથે ચેડા કર્યા હતા. ત્યારબાદ 10 ડિસેમ્બરના રોજ ફરીથી કમિટી મેમ્બરનીજાણ બહાર સીસીટીવીના ડીવીઆરમાં ચેડા કર્યા હતા. તે પછી 13મી તારીખે ફરીથી આવીને દાદાગીરી કરીને કમિટી મેમ્બર સાથે દાદાગીરી કરી હતી. ત્યારબાદ ડીવીઆર અને કેટલાંક સાધનો ગાયબ હતા. આ અંગે સેટેલાઇટ પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી હતી. તેમજ સિક્યોરીટી ગાર્ડ તરીકે કામ કરતા હર્ષ તિવારી, કુલદીપસીંગ અને બ્રીજેશ શુક્લાએ પણ સેટેલાઇટ પોલીસ મથકે ફરિયાદ કરી હતી કે નિસર્ગ શેઠ અને રોનક શાહ દ્વારા ધમકી આપવામાં આવી હતી. જ્યારે આ અંગે સેટેલાઇટ પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે આ અંગે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે.
એટલુ જ નહી સોસાયટીના સભ્યોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે બંને સભ્યોએ એવી પણ ધમકી આપી હતી કે સેક્ટર-1 જેસીસી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સંબધ છે. જેથી પોલીસમાં અમારૂ કોઇ નહી બગાડી શકે. આમ, સનપ્રીમા એપાર્ટમેન્ટને મામલે હવે સ્થાનિક લોકોએ ન્યાય માટે પોલીસ કમિશનર અને ગાંધીનગર સુધી દાદા માંગી છે.


