CMનું બુલડોઝર ભાજપના નેતાઓની ગેરકાયદે મિલકત પર નથી ચાલતું, મહિલાઓનો આક્રોશ
ભાજપના કોર્પોરેટરના ભાઈની કરતૂત, ફ્લેટ રેસીડેન્શિયલ છતાં માર્જિનની જગ્યામાં 3 દુકાનો બનાવી
BJP councillor news : અમદાવાદના આનંદનગરમાં આવેલા નીરાલી ફ્લેટના રિ-ડેવેલોપમેન્ટની પ્રક્રિયામાં અડચણ ઉભી કરનાર કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર વિરૂદ્ધ સોસાયટીના સ્થાનિક રહીશોએ ગંભીર આરોપ મુક્યો છે કે તેમના ભાઇ પ્રદીપે નવ વર્ષ પહેલા ગેરકાયદે દુકાનો બનાવી હતી. જે સીલ થઇ હોવા છતાંય, સુરેન્દ્ર ખાતે અગાઉના ધારાસભ્ય કિશોર ચૌહાણની મદદ લઇને તમામ શીલ ખોલાવી નાખ્યા હતા. ત્યારબાદ દાદાગીરી કરીને દુકાનોનું ભાડુ વસુલવામાં આવતુ હતું.
નીરાલી ફ્લેટની કમિટીના એક સભ્યએ જણાવ્યું કે અમારા એપાર્ટમેન્ટમાં કોમર્શિયલ બાંધકામને મંજૂરી નથી. પરંતુ, કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરના ભાઇ પ્રદીપે વર્ષ ૨૦૧૬મા એપાર્ટમેન્ટના માર્જીનની જગ્યા પર ત્રણ ગેરકાયદે દુકાનો બનાવીને ભાડે આપી દીધી હતી. જે અંગે સ્થાનિક લોકોએ વિરોધ કરતા ધમકી પણ અપાઇ હતી. ત્યારબાદ વર્ષ 2017માં કમિટીએ સત્તાવાર ઠરાવ કર્યો હતો કે દુકાનો ગેરકાયદે છે. અને તેના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરવામાં આવતા દુકાનો સીલ કરવામાં આવી હતી. પરંતુ, તે સમયે સુરેન્દ્ર ખાચરે રાજકીય સત્તાનો ખોટો ઉપયોગ કરીને તે સમયના ધારાસભ્ય કિશોર ચૌહાણની મદદથી કોર્પોરેશન પર રાજકીય દબાણ ઉભુ કરીને સીલ ખોલાવી નાખ્યા હતા. એટલુ જ નહી ખોટો રિપોર્ટ તૈયાર કર્યો હતો કે પ્રદીપે તેના ત્રણ રૂમના મકાનમાં ત્રણ દુકાનો બનાવી છે. ત્યારબાદ સ્થાનિક લોકોને સતત ધમકી આપીને વિરોધ કરતા બંધ કરાવાયા હતા.
દાદાનું બુલડોઝરના ભાજપના નેતાઓની ગેરકાયદે મિલકત પર નથી ચાલતું : સ્થાનિક મહિલાઓ
નીરાલી ફ્લેટમાં રહેતી મહિલાઓ રવિવારે સવારે આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે પહોચી હતી. જ્યાં તેમણે ફરિયાદ કરવાની રજુૂઆત સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે ભાજપના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરના ભાઇની ત્રણેય દુકાનો ગેરકાયદે છે. તેમ છતાંય, કોર્પોરેશન દાદાનું બુલડોઝર ચલાવીને કાર્યવાહી કરી તેમ બનતુ નથી. સાથેસાથે સ્થાનિક લોકો પણ ભયમાં રહે છે.
એટલુ જ મહિલાઓએ સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકરને ફોન કરીને આક્રોશ વ્યક્ત કરવાની સાથે ઉધડો લીધો હતો કે જે લોકોને સત્તા છે તે દુરઉપયોગ કરે છે. તેમ છતાંય, સરકારી તંત્ર ચુપ છે. એટલુ જ નહી ધારાસભ્યને ચીમકી આપી હતી કે જો તે સુરેન્દ્ર ખાચર જેવા કોર્પોરેટરની તરફેણ કરશે તો ભાજપને મત ગુમાવવાનો વારો આવશે.
નિરાલી ફ્લેટમાં રહેતા ભાજપના સરખેજ વોર્ડના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરના ભાઇ પ્રદીપે બનાવેલી ગેરકાયદે દુકાનો માટે બિલ્ડર સત્તાવાર રીતે કરાર મુજબ નાણાં આપી શકે તેમ ન હોવાથી સુરેન્દ્ર ખાચર અને તેની સાથે મળેલા કેટલાંક સભ્યોએ રિ-ડેવેલોપમેન્ટની શરતો અંગે વિરોધ કર્યો હતો. જો કે સ્થાનિક લોકોએ આરોપ મુક્યો છે કે સુરેન્દ્ર ખાચરે તેના ભાઇની ત્રણ દુકાનો માટે ેએક સ્કેવર ફીટ મુજબ એક લાખની માંગણી કરી હતી. પરંતુ, હાલ નીરાલી ફ્લેટની સ્કીમ માત્ર રહેણાંકની હોવાથી દુકાનો અંગે વળતર ન મળે તેમ કહેતા બિલ્ડર સામે વાંધો ઉભો કરીને સમગ્ર વિવાદ ઉભો કર્યો હતો.